હાલમાં જમ્મુ નાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે ફરજ બજાવી રહ્યા હતા : અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા : અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાટંકારા : જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા શહીદ થયા છે. હાલમાં તેઓ જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેઓને શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. 18 વર્ષની સેવા દરમિયાન તેઓએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપી હતી. ટંકારાનાં જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટથી આર્મી નાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહિદની અંતિમયાત્રામાં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા તેમજ જિલ્લામાંથી એક્સ આર્મી જવાનો, વિસ્તારનાં ધારાસભ્ય સહિત અનેક સામાજીક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. તા. 2 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે શહિદ પરેશકુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખવામાં આવ્યું છે.