2022મા શરૂ થયેલ મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજનું કામ 25 ટકા પણ ન થયું : મેડિકલ કોલેજનું કામ 50 ટકા બાકી : જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસકામોના પ્રોજેકટ મળ્યા પણ કામગીરી મંથરમોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત સરકારે વિકાસ કામોની હારમાળા રૂપે વર્ષ 2022 - 23મા મોટા કહી શકાય તેવા 1035 કરોડના રોડ, રસ્તા, ઓવરબ્રિજ, મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને કોર્ટ બિલ્ડીંગ માટેના અલગ અલગ સાત પ્રોજેકટ ભેટ આપ્યા છે. જો કે, તમામ પ્રોજેકટમાં મંદ ગતિએ કામગીરી ચાલતી હોય હજુ એક પણ પ્રોજેકટ પૂરો થયો નથી.સિરામિક નગરી મોરબી જિલ્લા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ કહી શકાય તેવા હળવદ - મોરબી અને મોરબી - જેતપર - અણીયારી સુધીના માર્ગને ચાર માર્ગીય બનાવવા માટે પોણા ત્રણસો કરોડના ખર્ચે બે પ્રોજેકટ એક વર્ષ કરતા વધુ સમયથી શરૂ કર્યા છે જેમાં મોરબી - જેતપર - અણીયારી રોડનું કામ 90 ટકા પૂર્ણ થયું છે જ્યારે મોરબી - હળવદ ફોરલેનનું કામ 70 ટકા પૂર્ણ થયું છે. હજુ બન્ને રોડનું કામ પૂર્ણ થતાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમયગાળો લાગે તેમ છે.એ જ રીતે તાજેતરમાં મોરબી - નવલખી રોડને ફોરલેન બનાવવા માટે રૂપિયા 165 કરોડના ખર્ચને મંજુર કરાયો છે. જો કે, આ રોડનું કામ વર્ષ 2025મા શરૂ થશે અને આગામી 2 વર્ષ સુધી આ રોડ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. દરમિયાન મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 20 કરોડના ખર્ચે 2022મા ઓવરબ્રિજ નિર્માણ માટે કામ શરૂ કરાયા બાદ તંત્રને ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ આ બ્રિજને લંબાવવો પડે તેમ હોવાનું બ્રહ્મજ્ઞાન થતા ઓવરબ્રિજનું કામ ડિઝાઇન પાછળ ટલ્લે ચડ્યું છે અને 2 વર્ષમાં આ પુલનું કામ ફક્ત 25 ટકા જ પૂર્ણ થયું છે.___________________________મોરબી એરપોર્ટનું કામ અધૂરું, રિવરફ્રન્ટ કાગળ ઉપરસિરામિક નગરી મોરબીમાં દરરોજ દેશ વિદેશથી મોટાપ્રમાણમા વેપારીઓની આવન જાવન રહેતી હોવાની સાથે મોરબીના ઉદ્યોગપતિઓ પણ કાયમી હવાઈ મુસાફરી કરતા હોય મોરબીને એરપોર્ટ આપવા માટે સરકારે મંજૂરી આપતા રાજપર નજીક જુના રાજાશાહી સમયની એરસ્ટ્રીપને વિકસાવવાની શરૂઆત થઈ છે. જો કે, છેલ્લા બે વર્ષથી અહીં બાઉન્ડ્રીનું કામ પણ અધૂરું છે. બીજી તરફ નગરપાલિકા દરવર્ષે મચ્છુ નદી ઉપર રિવરફ્રન્ટ બનવવાની બજેટમાં જાહેરાત કરે છે પરંતુ આજદીન સુધીમાં રિવરફ્રન્ટના વિકાસ માટે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી.___________________________મોરબીના મહત્વપૂર્ણ પ્રોજેકટ1. મોરબી શહેરમાં નટરાજ ફાટક પર ટ્રાફિક સમસ્યા નિવારવા 80 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું કામ - 2024 માં શરુ કરાયું છે હાલમાં આ ઓવરબ્રિજની 50 % કામગીરી પૂર્ણ થઈ છે અને સંપૂર્ણ કામગીરી પૂર્ણ થતા હજુ 8 મહિના જેટલો સમય લાગશે2. મોરબીમાં રૂપિયા 450 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે વર્ષ 2023માં કામ શરુ થયું છે. જેમાં હજુ માંડ 50 % જ કામ થયું છે. મેડિકલ કોલેજનું કામ પૂરું થતા હજુ એકાદ વર્ષ થશે3. મોરબીમાં રૂપિયા 35 કરોડના ખર્ચે નવી જિલ્લા કોર્ટનું બિલ્ડિંગનું કામ 2024માં શરુ કરાયું છે જેમાં હજી 30 % જ કામ થયું છે. સંભવતઃ 2025 ના અંત સુધીમાં પૂરું થઇ જશે.4. મોરબી શહેરમાં રૂપિયા 20 કરોડના ખર્ચે મહેન્દ્રનગર ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ઓવર બ્રીજનું કામ - વર્ષ 2022 માં શરુ થયું છે. જો કે પુલ લંબાવવા માટે ડિઝાઇનમાં ફેરફાર થતા હાલમાં 25 % જ કામ થયું છે. જેમાં નવું ટેન્ડર કરીને કામગીરી શરુ કરાશે. આ કામગીરી વર્ષ 2026 સુધીમાં પૂરું થશે તેવું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.5. રૂપિયા 118 કરોડના ખર્ચે મોરબી - જેતપર - અણિયારી ફોર લેનનું કામ વર્ષ નવેમ્બર 2023 માં શરુ કરાયું છે. જેમાં હાલમાં 90 % કામગીરી પૂર્ણ થઈ છે.આ ફોરલેન રોડનું કામ પૂર્ણ થતા હજુ 4 મહિનાનો સમય લાગશે.6. રૂપિયા 167 કરોડના ખર્ચે મોરબી - હળવદ ફોર લેનનું કામ - 2024 માં શરુ કરાયું હતુ. જેમાં હાલમાં 70 % કામગીરી પૂર્ણ થઇ છે. આ રોડનું કામ આગામી 4 મહિનમાં પૂર્ણ થશે.7. વર્ષ 2024માં રૂપિયા 165 કરોડના ખર્ચે મોરબી - નવલખી રોડને ફોરલેન બનાવવા મંજુરી મળી છે. જો કે, વર્ષ 2025માં કામગીરી શરુ થશે અને 2 વર્ષમાં પૂર્ણ થશે.___________________________