આ વાર્તા સ્પર્ધામાં કુલ 54 સ્પર્ધકોએ ભાગ લીધો હતો મોરબી : મોરબીમાં બી.આર.સી ભવન દ્વારા બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો માટે તાલુકા કક્ષાની વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાનું બી.આર.સી. ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર.સી.કક્ષાની વાર્તા સ્પર્ધામાં પ્રથમ આવેલા વિજેતાઓ વિભાગ વાઈઝ 18 સ્પર્ધકો લેખે 3 વિભાગમાં થઈને કુલ 54 સ્પર્ધકોએ આ વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બાલવાટિકાથી ધોરણ 2 સુધીના બાળકોએ મનગમતી વાર્તા કથન, ધોરણ 3 થી 5ના બાળકો દ્વારા વાર્તા કથન અને ધોરણ 6થી8 ના વિદ્યાર્થીઓએ થીમ આધારિત મૌલિક વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ બી.આર.સી. કોઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને આ સ્પર્ધાના હાર્દ વિશે ઉદાહરણ સહિત ઉદ્બોધન કર્યું. અલગ અલગ ખંડમાં ત્રણેય સ્પર્ધાઓ નિયમોનુસાર પોતાના સમય મર્યાદામાં યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબીમાંથી લેકચરર ઝંખનાબેન ભટ્ટી ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વાર્તા સ્પર્ધામાં મોરબીના નામી સાહિત્યકારોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. જેમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં કાલરિયા રમેશભાઈ, બુદ્ધદેવ મનનભાઈ, યોગાનંદી તૃપ્તિબેને સેવા આપી હતી. પ્રિપેરેટરી સ્ટેજ માટે ડૉ. કાંજિયા અમૃતલાલ, પૈજા અવિનાશભાઈ, દેલવાડિયા બાબુલાલ તથા મિડલ સ્ટેજની સ્પર્ધા માટે કુબાવત પ્રકાશભાઈ, કાલરિયા શૈલેષભાઈ, ઠોરિયા વંદનાબેને સેવા આપી હતી. ફાઉન્ડેશનલ સ્ટેજની સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાજપર તાલુકા શાળાના વિદ્યાર્થી મારવણીયા શુભ પીન્ટુભાઈ, પ્રિપેરેટરી સ્ટેજની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાંકડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની આધ્યા ચંદ્રકાંતભાઈ બાવરવા મિડલ સ્ટેજની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રામકૃષ્ણ તાલુકા શાળાનો વિદ્યાર્થી રામાવત જીગર આશિષભાઈ વિજેતા થયેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે. સમાપન કાર્યક્રમમાં નિર્ણાયકઓએ વાર્તા સ્પર્ધા વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. વિજેતા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ ઈનામ તથા તમામ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પુસ્તક અર્પણ કર્યા હતા. વિજેતા નવ સ્પર્ધકોને બાળસાહિત્યકાર પ્રકાશભાઈએ પોતાનું સ્વરચિત પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું.સમગ્ર કાર્યક્રમનને સફળ બનાવવા સી.આર.સી.કો. ટીમ ચેતનભાઈ જાકાસણિયા, ઉમેશભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ બાવરવાએ જહેમત ઉઠાવી હતી. માર્ગદર્શક શિક્ષકોએ આગામી જિલ્લા કક્ષાએ બાળ વાર્તાકારો સારું પ્રદર્શન કરી મોરબી તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન આપ્યું છે.