પાટીદાર યુવા સેવા સંઘની પ્રથમ મિટિંગ યોજ્યા બાદ કલેકટર સમક્ષ હથિયારના લાયસન્સ માટે થોકબંધ અરજીઓ અપાઈ હતી : હવે બીજી મિટિંગ ઉપર સૌની મીટમોરબી : મોરબી શહેર અને જિલ્લામા પાટીદાર સમાજને નિશાન બનાવી વ્યાજખોરો, લુખ્ખાઓ દમન ગુજારવાની સાથે હાલમાં સમાજના અનેક યુવાનો નશા અને ઓનલાઈન ગેમિંગને રવાડે ચડી ગયા હોય પાટીદાર સમાજને આવા અનિષ્ઠથી બચાવવા પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના થઇ છે. જેની બીજી મિટિંગ આવતીકાલે શનિવારે યોજાનાર છે. આ મિટિંગ શનાળામાં પટેલ સમાજ વાડી ખાતે આવતીકાલે તા.28ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે યોજાશે. જેને ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે નામ આપવામાં આવ્યું છે. આ પૂર્વે પાટીદાર યુવા સેવા સંઘનું લાભ પાંચમે બીજ રોપાયા બાદ 15 દિવસમાં જ મોરબીના બગથળા ગામે પ્રથમ બેઠક યોજી સંગઠનની રચના કરવામાં આવતા 2500 યુવાનો આ સંગઠનમાં જોડાયા હતા.અગાઉ મનોજ પનારા સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં સંગઠનના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરીએ ઉમટી પડી કલેકટર સમક્ષ દોઢસો જેટલી હથિયાર પરવાનાની અરજીઓ મૂકી હતી. આ વેળાએ સંગઠન દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે હવે અમે અમારું રક્ષણ જાતે જ કરીશું. માટે હથિયારનું લાયસન્સ આપવામાં આવે. આ ઘટના બાદ હવે સંગઠનની બીજી બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આ બેઠકમાં શુ નિર્ણય લેવામાં આવે છે. તેના ઉપર સૌની મિટ છે.