મોરબી : આજ રોજ મોરબીની પીએમ તાલુકા શાળા નં.2ના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ મેઈન બ્રાન્ચ તથા તાલુકા પંચાયત મોરબીની મુલાકાત લીધી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020માં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ દિવસોની સંકલ્પના કરવામાં આવી છે.જેનો હેતુ શાળાના વર્ગખંડની બહારની દુનિયા સાથે વિદ્યાર્થીઓનો સંપર્ક સાધી આનંદદાયક શિક્ષણનો અનુભવ થાય તેવો છે. રોજિંદા જીવનમાં યોગદાન આપતી સંસ્થાઓ તેમજ અવલોકન આધારિત શીખવાની ક્ષમતા કેળવાય તેવા હેતુથી મોરબી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરાગભાઈ તથા કુલદીપસિંહ સરવૈયાએ પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યો અંગે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. તાલુકા વિકાસ અધિકારી ડાંગર સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈએ તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ તથા તેમના કાર્યો અંગે વિદ્યાર્થીઓને હૃદય સ્પર્શી માહિતી આપી હતી.