મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુંવાંકાનેર : વાંકાનેર ફાયરીંગ બટ ખાતે મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓની વર્ષ-2024ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તારીખ 11-1-2025 થી 27-1-2025 સુધી આમ કુલ 17 દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે.તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ 11-1-2025 થી 27-1-2025 સુધી આમ કુલ 17 દિવસ માટે જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-131 અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.