મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં દરોડો પાડી વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી 2000 લિટરથી વધુ દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ ગાળવાના સાધનો સહિત રૂપિયા 50,750ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે વાડી માલિક હાજર ન મળી આવતા ફરાર દર્શાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં આરોપી દિનેશ આયદાનભાઈ ગરચરની વાડીમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીને આધારે મોરબો પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડતા વાડીમાં કામ કરતા ખેતમજૂર આરોપી નરેશ રમણભાઈ નાયકાના કબજા ભોગવટામાંથી 2030 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, પતરાનું બેરલ, બકડીયું, પાટલી અને નળી સહિતના દેશી દારૂની ભઠ્ઠીના સાધનો કિંમત રૂપિયા 50,750 મળી આવતા આરોપીને અટકાયતમાં લીધો હતો. જો કે, દેશી દારૂ બનાવનાર મુખ્ય સૂત્રધાર વાડી માલિક દિનેશ આયદાનભાઈ ગરચર હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.