રણમલપુરથી એંજાર ગામે હલર લેવા જતી વેળાએ બાઇક ઉપર બેલેન્સ ન રહેતા સર્જાયો અકસ્માત હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામ પાસે બાઇક ઉપર જતા ખેડૂત પિતા-પુત્ર બાઇક કેનાલમાં પડી ગયા હતા. બન્નેનું ડુબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણમલપુર ગામના ધીરુભાઈ હરજીભાઈ ભોરણીયા (ઉં.વ. 55) અને તેમના પુત્ર વિશાલ ધીરુભાઈ ભોરણીયા (ઉં.વ. 22) આજે રણમલપુરની બાજુમાં આવેલા એંજાર ગામે હલર લેવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રણમલપુર-એંજાર વચ્ચે પસાર થતી માળિયા બ્રાંચની નર્મદાની કેનાલ પાસેથી પસાર થતી વખતે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સાથે બન્ને પિતા-પુત્ર કેનાલમાં ખાબક્યા હતા. આ અંગેની જાણકારી હળવદ ફાયરની ટીમ અને ટીકરના તરવૈયાની ટીમને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગ અને તરવૈયાની ટીમે આવીને સૌપ્રથમ બાઈક શોધી કાઢ્યું હતું અને ત્યારબાદ બપોરે 12-30 વાગ્યાની આસપાસ પિતા-પુત્રના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા. હાલ બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.મહત્વનું છે કે, મૃતક ધીરુભાઈના મોટા પુત્રનું ચારેક વર્ષ પહેલા મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે હવે પિતા અને અન્ય એક પુત્રનું મોત થતાં પરિવારમાં બે દીકરીઓ અને માતા પર આફતનું આભ તૂટી પડ્યું છે.