મોરબી : ગત તારીખ 22 ડિસેમ્બર ને રવિવારનાં રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્ય વેરા નિરીક્ષક (STI)ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી સેન્ટર ખાતે મોટાભાગે કચ્છના વિદ્યાર્થીઓને સેન્ટર ફાળવેલું હોઈ ચારણ ગઢવી સમાજના છેક કચ્છના દૂર દૂરના ગામડા અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મોરબી ચારણ સમાજના યુવાનો દ્વારા આઇશ્રી સોનલધામ, ચારણ ગઢવી સમાજની વાડીએ આગલા દિવસે એટલે કે શનિવાર સાંજથી જ રહેવા, જમવા, આરામ કરવાની અને નાસ્તાની સુચારું વ્યવસ્થા કરવામાં આવી હતી.આ આયોજનમાં કચ્છ ચારણ સમાજના 80 જેટલા ચારણના દીકરા દીકરીઓએ આ વ્યવસ્થાનો લાભ લીધો હતો. સાંજે આઈ માઁ સોનલની આરતી કરી ભોજન કરાવ્યા બાદ મોરબી ચારણ સમાજના યુવા PSI હિરેનભાઈ જામંગે હાજરી આપી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપી પોતાના અનુભવો કહ્યા હતા. સવારે પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યમાં સોનલબીજ જન્મોત્સવ સમિતિના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.