કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને નવેમ્બર મહિનાનો પગાર નથી ચુકવાયો છતાં જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે હું નવો છું મને કઈ ખબર નથીમોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગના પીએચસી અને સીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓ પૈકી પીએચસી સેન્ટરના 300 જેટલા કર્મચારીઓને સરકારના નિયમ મુજબ કોન્ટ્રાકટર દ્વારા દિવાળી બોનસ ન ચુકવવાની સાથે નવેમ્બર મહિનાનો પગાર પણ ન ચુકવ્યો હોવાથી અંતરિયાળ ગામડાઓમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની હાલત કફોડી બની છે. બીજી તરફ આરોગ્યની મહત્વની કામગીરી કરતા કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓને પગાર -બોનસ કેમ નથી ચુકવાયું તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતાં તેઓએ કહ્યું હતું કે, હું તો જિલ્લા માટે નવો છું મને કઈ જ ખબર નથી.મોરબી જિલ્લા પંચાયત હેઠળ આવતા 35 પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા 300થી વધુ કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓને ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા નવેમ્બર મહિનાનો પગાર નહીં ચુકવવામાં આવતા નાના કર્મચારીઓની હાલત કફોડી થઇ ચુકી છે, કોઈ કર્મચારી મકાનના ભાડા નથી ચૂકવી શક્યો તો કોઈ કર્મચારી દૂધ કરિયાણાના બિલ નહીં ચૂકવી શકતા ઉછી ઉધારા કરીને ગાડું ગબડાવી રહયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોન્ટ્રાકર દ્વારા સરકારના આદેશ છતાં કર્મચારીઓને બોનસ પણ ચુકવવામાં આવ્યું ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.મોરબી જિલ્લામાં આવેલા 35 પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે વર્ગ-3 અને વર્ગ-4ના 300થી વધુ કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓ ડીબી એન્ટરપ્રાઇઝ નામની પેઢી હેઠળ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર દ્વારા દર મહિને 1000 રૂપિયા બોનસ પેટે કાપવામાં આવે છે અને સરકારના નિયમ મુજબ બોનસ ચુકવવામાં અમારા જ પૈસા અમને આપવાના હોવા છતાં દિવાળી ઉપર કોન્ટ્રાકટરે બોનસ ચુકવ્યું નથી, સાથે જ નવેમ્બરનો પગાર પણ નહીં આપતા અમારી હાલત દયનિય બની છે._______________________________________જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે હું નવો છુંમોરબી પીએચસી હેઠળ ફરજ બજાવતા 300 જેટલા કર્મચારીઓને પગાર તેમજ બોનસ કેમ નથી ચુકવાયું તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીવાસ્તવને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં હું નવો છું એટલે મને કશી જ ખબર નથી ! ગંભીર બાબત તો એ છે કે, શું પીએચસી-સીએચસી સેન્ટરમાં દવા ઇન્જેક્શન ખૂટી જશે કે અન્ય કોઈ ઘટના બનશે તો પણ આ મહાશય હું નવો છું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી જશે ?_______________________________________અધિકારી બદલાયા એટલે પેમેન્ટ અટકયા છે : કોન્ટ્રાકટરમોરબી જિલ્લા પંચાયત હેઠળના પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાકટ ધરાવતા ડીબી એન્ટરપ્રાઈઝના મફાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અધિકારી બદલાયા હોવાથી હજુ સુધી અમને પેમેન્ટ મળ્યું ન હોવાથી નવેમ્બર માસનો પગાર નથી ચુકવાયો, જો કે, બોનસ બાબતે તાલુકા કક્ષાએ ફાઈલો અટકી હોવાનું કહી પોતાની જવાબદારી ખંખેરી નાખી હતી._______________________________________