મોરબી : તારીખ 23 ડિસેમ્બરના રોજ મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક ગોરધનભાઈ પરમારની તેમના વતન દ્વારકા જિલ્લામાં બદલી થતા હજનાળી શાળા પરિવાર દ્વારા તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ મહેશભાઈ પારેજીયા, ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ શિક્ષક સાણંદીયા સાહેબ, કાનજી સાહેબ, ટુંડીયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત, વિદાય ગીત પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ વિદાય પર સ્પીચ અને વિદ્યાર્થિનીઓ દ્વારા વિદાય ગીત ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ ગમગીન થઈ ગયું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય અમિતભાઈ ખાંભરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. વિદાય લેનાર શિક્ષકને શાળાના સ્ટાફ દ્વારા તેમણે કરેલી સારી કામગીરી બદલ પ્રશસ્તી પત્ર અને યાદગીરી રૂપે ગિફ્ટ આપવામાં આવી હતી. આ તકે પરમાર ગોરધનભાઈ દ્વારા શાળાના તમામ બાળકો અને સ્ટાફને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ પેટે 5500 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. શાળામાં પધારેલ અન્ય મહેમાનો દ્વારા પણ બાળકોને 2,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. આભાર વિધિ શાળાના શિક્ષક મોહિતભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક અશ્વિનભાઈ ચાવડા, દક્ષાબેન મકવાણા તેમજ શાળાના મઘ્યાહ્ન ભોજનના સંચાલક સાગરભાઇ પારેજીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.