મોરબી જિલ્લાના ભાવિ વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવોના આધારે વિવિધ પગલાંઓ લઈને વિકસિત મોરબી@2047નો સંકલ્પ સાકાર કરાશે : જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીમોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ 19 થી 25 ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી હોય એનો જલ્દીથી સ્થાનિક કક્ષાએ નિકાલ આવે. તેમજ નાગરિકોને વડી કચેરી સુધી ધક્કો ખાવો ના પડે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાનો વર્કશોપ મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2047ને ધ્યાનમાં રાખીને આપણા જિલ્લાનો મહત્તમ વિકાસ થાય તે રીતે આપણું આયોજન થવું જોઈએ. જેમાં દરેક વિભાગનો સહકાર આવકાર્ય છે. ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રિવાન્સિસ, ગુડ સર્વિસ ડિલીવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત મોરબી@2047નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરે આગળ જણાવ્યું હતું કે, શિક્ષણ શાખાના અધિકારી અઠવાડિયામાં 2 વાર તમામ શાળાઓમાં વારાફરતી સરપ્રાઈઝ ચેકિંગ કરે અને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં તપાસ કરીને તેનું નિયમિત રિપોર્ટિંગ કરાવે. તેમજ શાળામાં તમામ સ્ટાફ સમયસર હાજર રહે તેવી વ્યવસ્થાનું પાલન થાય. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ વર્ગ- 1ના અધિકારીઓ દ્વારા રાત્રીસભાનું આયોજન થાય તેવી કામગીરી ગોઠવવામાં આવશે. જેથી ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે ગ્રામજનોને દૂર સુધી જવું ના પડે. જિલ્લા કલેકટરે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે સિરામિકની ફેક્ટરીવાળા વિસ્તારોમાં તાડપત્રી બંધાવવી, રો- મટિરિયલ શેડમાં જ રાખવું અને વોટર સ્પ્રિકલિંગ કરાવવું જેથી વાતાવરણમાં ધૂળ અને રજકણ ઓછા ઊડે અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર ના થાય. કાર્યક્રમમાં શિક્ષણ, ખેતીવાડી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શિક્ષણ વિભાગની કામગીરી જોઈએ તો, આ વર્ષે કુલ 10 નવી શાળાઓને મંજૂરી મળી છે. તેમજ નમો લક્ષ્મી યોજનામાં 20842, નમો સરસ્વતી યોજનામાં 3834, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં 954 અને વિવિધ યોજનાઓમાં મળીને કુલ 83 લાભાર્થીઓ છે. તેમજ 3 શાળાઓનું બાંધકામ હાલમાં ચાલુ છે. છેલ્લા 3 વર્ષમાં મોરબી જિલ્લામાં એસ.એસ.સી.માં રાજ્ય કક્ષાએ દ્વિતીય કક્ષાએ, એચ.એસ.સી. જનરલ સ્ટ્રીમમાં તૃતીય કક્ષાએ, અને એચ.એસ.સી. સાયન્સ સ્ટ્રીમમાં રાજ્ય કક્ષાએ પ્રથમ કક્ષાએ સ્થાન મેળવ્યું છે. જે મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર 3500 જેટલી ટ્રેકટર સહાયની અરજીઓ મળી છે. તેમજ 3500 જેટલી વિવિધ અન્ય સહાય માટે અરજીઓ આવી છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત રૂ.234 કરોડની સહાય મોરબી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીશ્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં રેડ ઝોનમાં 1329, ગ્રીન ઝોનમાં 879 અને ગ્રીન ઝોનમાં 1117 ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ તમામ ઇન્ડસ્ટ્રીઝનું નિયમિતપણે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. મોરબી જિલ્લામાં પોલ્યુશન અને વેસ્ટેજ ફિલ્ટર માટે 5 પ્લાન્ટ આવેલા છે. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતું પાણી અને કચરાનું શુદ્ધિકરણ કર્યા બાદ જ તેને નદી- નાળામાં છોડવામાં આવે છે. આ સિવાય મોરબી જિલ્લામાં આ વર્ષે સદભાવના સંસ્થા અને સિરામિક એસોસીએશન દ્વારા 10,000 વૃક્ષો, લેમીનેટ શીટ્સ એસોસીએશન દ્વારા 160 વૃક્ષો અને પેપર મિલ એસોસીએશન દ્વારા 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનાથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત, કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમના અંતે આભાર વિધિ અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચરે કરી હતી.