યાત્રા કરીને પરત ફરેલા વડીલોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હળવદ : ધાંગધ્રામાં દયાવાન ગ્રુપ દ્વારા જ્ઞાતિ-જાતિ જોયા વગર લોકહિતમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા ધાંગધ્રાના 111 વૃદ્ધ મહિલાઓને નિ:શુલ્ક પાંચ દિવસની સૌરાષ્ટ્રના જુદા જુદા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી હતી. પાંચમા દિવસે પરત ફરેલ સૌ યાત્રીઓનું વરઘોડો કાઢી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, ગૌસેવા- માનવ સેવા સહિતના અનેક વિધ સેવા કાર્યો થકી ઓળખાતા ધાંગધ્રાના દયાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ રબારી અને ગ્રુપના સૌ સભ્યો દ્વારા ધાંગધ્રાની 111 વૃદ્ધ મહિલાઓને સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોએ નિઃશુલ્ક દર્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.આ યાત્રા પાંચ દિવસની હોય સૌરાષ્ટ્રના મોટાભાગના યાત્રાધામોને આવરી લેવાયા હતા. રવિવારે પાંચમાં દિવસે યાત્રાળુઓ યાત્રા કરી પરત ધાંગધ્રા ફરતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં 1500થી વધુ લોકો જોડાયા હતા અને યાત્રા કરી પરત ફરી ત્યારે વડીલોને ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સૌ કોઈએ દયાવાન ગ્રુપને આશીર્વાદની સાથે સફળ યાત્રા કરાવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.