કીર્તિદાન અને રાજભા ઉપર પૈસાનો વરસાદ થયો હતો : રૂ.21 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં નંદીઘરનું નિર્માણ કરાશે : આગામી 6 મહિનામાં સ્થળ નક્કી કરી જમીન ખરીદવાનો લક્ષ્યાંકમોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે લોકડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં કીર્તિદાન અને રાજભા ઉપર પૈસાનો વરસાદ થયો હતો. આ ડાયરામાંથી કુલ રૂ.35 લાખની રકમ એકત્રિત થઈ છે.મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા મિલન પટેલ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. આ વેળાએ દુર્લભજીભાઈ દેથરીયા, હરેશભાઇ બૉપલિયા, કિશોરભાઈ ચીખલીયા, પંકજભાઈ રાણસરિયા, અરવિંદભાઈ બારૈયા, અરવિંદભાઈ વાંસજાળીયા, કેતન વિલપરા સહિતના અગ્રણીઓ તેમજ રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોમાંથી લોકો આવ્યા હતા. ડાયરામાં ઘોર અને લખાવેલ અનુદાન મળી કુલ રૂ.35 લાખનું અનુદાન મળ્યું છે. 5 વર્ષમાં રૂ. 21 કરોડના ખર્ચે નંદીઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 6 મહિનામાં સ્થળ નક્કી કરી જમીન ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લોકડાયરાના કાર્યક્રમને સફળ બનાવવા 200થી વધુ સભ્યો તેમજ 10થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓની ટિમે જહેમત ઉઠાવી હતી. ______________________________________નંદીઘર માટે પાટીદાર નવરાત્રી મહોત્સવમાંથી દર વર્ષે રૂ.5 લાખ અપાશેકર્તવ્ય નંદી ઘરના લાભાર્થે સેવાભાવી યુવાન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ તથા પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા 25 લાખ જેટલી માતબર રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવમાંથી દર વર્ષે રૂ.5 લાખ એમ 5 વર્ષમાં રૂ.25 લાખ આપવામાં આવશે.______________________________________