ધ્યાનનું પ્રાચીન વિજ્ઞાન તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છેમોરબી : યુનાઇટેડ નેશન્સ (U.N.O.) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરાશે. __________________________________ધ્યાન એટલે શું?ધ્યાન એ એક મનની પ્રક્રિયા છે, જેમાં માણસ પોતાના મન અને ચિતને શાંત કરે છે. ધ્યાન એ યોગનો એક મુખ્ય અંગ છે, જે માનસિક અને શારીરિક આરોગ્ય માટે અત્યંત પ્રભાવી સાધન છે. તે આપણા મનને શાંતિ આપવા અને જીવનમાં સંતુલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ધ્યાન કોઈ ધાર્મિક કર્મકાંડ નહિ પરંતુ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે વિશ્વના દરેક ખૂણે વિવિધ રૂપોમાં પ્રચલિત છે.__________________________________ધ્યાનથી થતા ફાયદા1. માનસિક શાંતિ : ધ્યાન પ્રત્યક્ષ રીતે મગજને શાંત કરે છે, તણાવ અને ચિંતાને દૂર કરે છે. તે એક ગાઢ શાંતિપૂર્ણ અવસ્થામાં લઈ જાય છે, જેનાથી માનસિક આરામ પ્રાપ્ત થાય છે.2. તાણ અને ચિંતા ઘટે છે : નિયમિત ધ્યાનના અભ્યાસથી કોર્ટેસોલ (તાણ હોર્મોન)નું સ્તર ઘટે છે, જે જીવનમાં શાંતિ અને સંતુલન લાવે છે.3. સ્મૃતિ અને ધ્યાનશક્તિમાં વધારો : ધ્યાન મગજની ક્ષમતામાં સુધારો કરે છે, જેના કારણે સ્મૃતિ તીવ્ર બને છે અને કાર્ય કરવા માટેનું ધ્યાન કેન્દ્રિત રહે છે.4. શારીરિક આરોગ્યમાં સુધારો : ધ્યાનથી રક્તદબાણ નિયંત્રિત થાય છે, હૃદયની તંદુરસ્તી સારી રહે છે.5. ભાવનાત્મક સંતુલન : ધ્યાન મનને સંતુલિત રાખે છે અને નકારાત્મક લાગણીઓને દૂર કરવા સહાય કરે છે.6. સર્જકતામાં વધારો : મગજની ક્ષમતા વધારવાથી નવી અને અનોખી વિચારધારા વિકસે છે, જે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે.__________________________________ધ્યાન એ વ્યક્તિને પોતાની જાતને જાણવાની પ્રત્યક્ષ પદ્ધતિ છે. જે આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે.આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં, ધ્યાન એક એવું શસ્ત્ર છે, જેનાથી શરીર અને મન બંને તંદુરસ્ત રાખી શકાય છે. તે માત્ર શાંતિનો સ્ત્રોત જ નહિ પણ જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉત્કર્ષ લાવવાનો માર્ગ છે. તમામ ઉંમરના લોકો માટે ધ્યાન કરવું જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવવાનું શ્રેષ્ઠ સાધન સાબિત થાય છે.__________________________________