બમણી રકમ એટલે કે રૂ. ૩૭ લાખ અને ૯ ટકા વ્યાજ ચૂકવવાનો પણ આદેશ મોરબી : મોરબીના વેપારીને સુરતની પેઢી ધરાવતી મહિલાએ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત બમણી રકમ એટલે કે રૂ. ૩૭ લાખ અને ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે. મોરબીના જોધપર નદી પાસે આવેલ શિવસેતુ પોલીપેક નામની ભાગીદારી પેઢીના ભાગીદાર વત્સલભાઈ પ્રવિણભાઈ ઉપાધ્યાય, રહે. મોરબીવાળા પાસેથી સુરતના વન સ્ટોપ પ્રોપ્રાયટરી કન્સર્નના પ્રોપરાઇટર પુજા વિશાલ ઉપાધ્યાયએ ઉધારમાં પીપી વુવન ફેબ્રીક્સ (હાર્ડવેર પ્રોડકટસ)ની ખરીદી કરી હતી. ખરીદ કરેલ માલની રકમ રૂા.૩૦,૦૯,૭૦૫-૦૦ ચૂકવવા ચેક આપેલ, જે ચેક રીટર્ન થતા, ફરીયાદી વત્સલભાઈ ઉપાધ્યાયએ, તેમના એડવોકેટ ચિરાગભાઈ કારીઆ મારફત ચેક પરત ફર્યાની અને ચેકની રકમ વસુલ આપવા અંગેની નોટીસ આપવા છતા, આરોપી પુજા વિશાલ ઉપાધ્યાયએ, ફરીયાદીને નિયત સમયમાં ચેકની રકમ ન ચૂકવતા, ફરીયાદીએ, આરોપી પુજા વિશાલ ઉપાધ્યાય સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટનીકલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નાં. ૫૪૦૯/૨૦રર થી દાખલ કરેલ હતો. આ કેસ મોરબીના મહે. એડિ. ચીફ જયુડી. મેજી. ડી. કે. ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી જતા, અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમમાંથી બાકી રહેતી રકમ રૂા.૧૮,૬૮,૭૦૫-૦૦ ની બમણી રકમ રૂા. ૩૭,૩૭,૪૧૦-૦૦ નો દંડ ફરમાવવામાં આવે છે તથા તે દંડની રકમ માંથી, ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ, ફરીયાદ તારીખ થી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહિત ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર કર્યેથી આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વતી એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીઆ તથા રવિભાઈ કિશોરભાઈ કારીયા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.