કોંઢ, કૈલાસનગર,કલ્યાણપુર અને કનકેશ્વર ગામના સેવાભાવી લોકોએ નાના રણમાં પાણીની તંગી વચ્ચે ગૌમાતાની જઠરાગ્નિ ઠારવા ચલાવ્યો સેવાયજ્ઞહળવદ : કચ્છના નાના રણમાં હાલ પીવાના પાણીની તંગી વચ્ચે વચ્છરાજ દાદાના મંદિરે ગૌમાતા માટે ચાર ગામના લોકો દ્વારા 113 ટ્રેકટર મગફળીનો ભૂકો આપવામાં આવ્યો છે. આમ ગૌમાતાની જઠરાગ્નિ ઠારવા સેવાભાવીઓએ સેવાયજ્ઞ ચલાવ્યો છે. કચ્છના નાના રણમાં જ્યાં ચકલું પણ ન ફરકે તેવા નિર્જન સ્થાનમાં વીર વચ્છરાજદાદાના મંદિરના સાનિધ્યમાં વર્ષોથી 8000 જેટલા ગૌમાતાને આશરો આપી નિરંતર સેવા થઇ રહી છે. ત્યારે વચ્છરાજ દાદાના મંદિરની ગૌમાતાઓ માટે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ, કૈલાસનગર,કલ્યાણપુર અને કનકેશ્વર ગામના સેવાભાવી લોકો દ્વારા 113 ટ્રેકટર ભરી મગફળીનું પાનું મોકલી આપવામાં આવ્યું હતું. સેવાભાવી લોકોના આ સેવા કાર્યથી ખાસ કરીને ચોમાસા દરમિયાન ગૌમાતાઓના નિભાવમાં સરળતા રહેશે.ઉલ્લેખનીય છે કે વીર વચ્છરાજદાદાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે અહીં રહેલી ગાયોના નિભાવ માટે સેવાભાવી આગેવાનોએ સેવાની સરવાણી વહાવી છે. જે બદલ આ આગેવાનો ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.