નગરપાલિકા દ્વારા નવો વાહનકર વસુલ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ લોકોમાં ભારે વિરોધ મોરબી : મોરબીમા રોડ રસ્તાના ઠેકાણા નથી, વાહન પાર્ક કરવા ક્યાંય પાર્કિંગ નથી એવામાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં હવે નવું વાહન લેવુ મોંઘું બની જશે. નગરપાલિકા દ્વારા નવો વાહનકર વસુલ કરવા જાહેર કરી આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકો પાસેથી નવા વાહનની ખરીદી ઉપર ૩થી લઈ ૭ ટકા સુધી ટેક્સ વસૂલવા માટે વાંધાસૂચનો માંગ્યા છે, જો કે, પાલિકના નવા વેરાને લઈ લોકોમાં ભારે વિરોધ ઉઠ્યો છે.___________________________________નવો વાહન વેરો વ્યાજબી નથી : સિરામિક પ્રમુખ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારીયાએ જણાવું હતું કે, મોરબીમાં સારા રોડ રસ્તા નથી, પાર્કિંગ માટેની પણ કોઈ વ્યવસ્થા નથી ત્યારે નગર પાલિકાએ નક્કી કરેલ વાહન વેરો યોગ્ય ન હોવાનું તેમને જણાવ્યું હતું.___________________________________વહીવટદારને નવા વેરા નાખવાની સતા જ નથી : ચેમ્બર પ્રમુખ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જેન્તીભાઇ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ તો મોરબીમાં વહીવટદારને નવા કરવેરા નાખવાની કોઈ સતા જ નથી, પાલિકામાંથી જયારે મહાનગર પાલિકા બને અને નવા સત્તાધીશો આવો નિર્ણય લઇ શકે, બાકી હાલમાં મોરબીમાં લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી અને પાલિકા આવા નિર્ણય લઇ રહી છે તે યોગ્ય ન હોવાનું જણાવી આવા નિર્ણયથી લોકોમાં આક્રોશ ફાટી નીકળશે તેમ તેઓએ જણાવ્યું હતું.___________________________________પાલિકા ટેક્સની નિયમિત ઉઘરાણી કરે બાદમાં નવા વેરાનું વિચારે : સામાજિક અગ્રણી મોરબીના સામાજિક અગ્રણી સતીશ કાનાબારે જણાવ્યું હતું કે, મોરબીમાં હાલમાં પાલિકા ભૂગર્ભ વેરો, સફાઈ વેરો, પાણી વેરો, મિલકતવેરો, શિક્ષણ ઉપકર અને દીવાબત્તી વેરો ઉઘરાવી રહી છે પરંતુ વેરાના પ્રમાણમાં લોકોને સુવિધા આપતી નથી, ડેમ ફૂલ ભરેલા હોવા છતાં એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યું છે ત્યારે પાલિકા પ્રજા ઉપર નવા વેરા નાખવાને બદલે જુના વેરા વસૂલવા દાખલા રૂપ કામગીરી કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.___________________________________પાલિકાની તિજોરી ખાલી થઇ ગઈ એટલે પ્રજાને લૂંટવા નવા વેરા : કોંગ્રેસમોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, હજુ મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળેલ નથી. લોકોને પ્રાથમિક સુવિધા પણ મળી નથી તેવામાં વાહનકર નાખવા ફતવા બહાર પડયા છે. પાલિકામાં મસમોટા ભ્રષ્ટાચારોથી તિજોરી ખાલી થઈ ગઈ છે એટલે લોકોને જાણી જોઈને લૂંટી લેવાના એકમાત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકર માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જણાવી વાહનકરનું જાહેરનામું રદ્દ કરવા માંગ કરી છે.___________________________________