ABVP દ્વારા છાત્ર ગર્જના કાર્યક્રમ યોજાયો, મોરબીથી છાત્ર શક્તિ યાત્રાનો શુભારંભઉજવણીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને આંદોલનકારીઓ પણ જોડાયાhttps://youtu.be/bYhFrRJfGDMમોરબી : આજથી 50 વર્ષ પહેલા મોરબીથી શરૂ થયેલા નવ નિર્માણ આંદોલનની આજે વર્ષગાંઠ છે. નવ નિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. મોરબીની એલઈ કોલેજ ખાતે ABVP દ્વાર છાત્ર ગર્જના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ છાત્ર શક્તિ યાત્રા રથનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રથ મોરબીની તમામ કોલેજ તથા સૌરાષ્ટ્ર-કચ્છની તમામ કોલેજ કેમ્પસમાં જશે._______________________________________ABVPએ મોરબીનું પાણી દેખાડી દીધુઃ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાઆ ઉજવણીમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ જોડાયા હતા. આ તકે મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી માટે ગૌરવની વાત છે કે વિદ્યાર્થી પરિષદે મોરબીનું પાણી દેખાડી દીધું અને નવનિર્માણ આંદોલન પછી ચિમનભાઈ પટેલની કોંગ્રેસની સરકારને રાજીનામું આપી દેવું પડ્યું હતું. આજે આ નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આંદોલનમાં ભાગ લેનાર 4 ભાઈઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે._______________________________________આંદોલનને સમગ્ર ગુજરાતમાંથી ટેકો મળ્યોઃ આંદોલનકારી હરીશભાઈ જાદવનવ નિર્માણ આંદોલનમાં ભાગ લેનાર હરીશભાઈ જાદવે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલા મેસના ભાવ વધારાના વિરોધમાં નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું. વિદ્યાર્થીઓ એકઠા થયા અને આ આંદોલન સમગ્ર ગુજરાતમાં થયું. આંદોલનને સમગ્ર ગુજરાતમાંથી ટેકો મળ્યો હતો. હું તે સમયે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને આ આંદોલનમાં કાર્યકર તરીકે જોડાયો હતો._______________________________________મોરબીથી આ આંદોલન રાજ્યભરમાં ફેલાયુઃ આંદોલનકારી શૈલેષભાઈઆંદોલનમાં જોડાનાર મોરબીના શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, આ ઉજવણી કરવાનો વિચાર ABVPને આવ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.. આ સંગઠન વતનની માટીને મા કહે છે. આંદોલન સમયે અમે મોરબીમાં ધારાસભ્યના ઘરની બહાર આમરણાંત ઉપવાસ કર્યા હતા. આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાયું અને ભારતવર્ષમાં વિદ્યાર્થીઓના આંદોલન દ્વારા સત્તા પલટો થયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો._______________________________________છાત્ર શક્તિ રથ ગુજરાતભરમાં 250 જેટલી કોલેજમાં જશેછાત્ર શક્તિ અને છાત્ર શક્તિ યાત્રા રથ અંગે ABVPના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, મોરબી, અમદાવાદ અને સુરત શહેરમાંથી છાત્ર શક્તિ યાત્રા રથનો આજથી શુભારંભ થયો છે. નવનિર્માણ આંદોલનનો વિચાર વિદ્યાર્થીઓ સુધી પાછો પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં અન્યાય સામે લડવાની તાકાત અને ભારત માતાની સેવા માટેનો વિચાર ફરીથી પુનઃજીવિત થશે. આ રથ આગામી 15 દિવસ સુધી ગુજરાતભરના 250 જેટલા કોલેજ કેમ્પસમાં જશે અને 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે._______________________________________આંદોલનમાં 105 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યાઆ આંદોલનમાં 105 જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો અને 8 હજારથી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આંદોલનના પરિણામ સ્વરૂપે રાજ્યના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને રાજીનામું આપી દેવું પડ્યું હતું અને આ આંદોલનમાંથી પ્રેરણા લઈને બિહારના જયપ્રકાશ નારાયણે પણ આંદોલન ચલાવ્યું હતું. એટલે કે આઝાદી પછીનું આ સૌથી મોટું આંદોલન હતું._______________________________________