સાપે જીભ કાઢી તો યુવાને પણ જીભ કાઢી... અંતે સાપે દંશ મારી દીધો, માળીયા મિયાણાના ચીખલી ગામે બનેલો બનાવ મોરબી : નશો નાશનું મૂળ છે ઉક્તિ મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ખેતમજૂરી કરતો શ્રમિક યુવાન દારૂનો નશો કરી સાપને પકડી ઝેરી જનાવર સાથે ખેલ શરૂ કરતા સાપે દંશ મારી દેતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના કારણે બે પુત્ર અને બે પુત્રી મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે શાંતિલાલ પ્રભુદાસની વાડીમાં રહી મજૂરી કરતા મુળ છોટાઉદેપુરના વતની લીલસીંગ ગુલીયાભાઇ નાયકા ઉ.35 નામનો યુવાન ગઇકાલે સવારે દારૂનો નશો કરી ગયો હતો. બાદમાં વાડી નજીક ભત્રીજા સાથે જતો હતો ત્યારે રસ્તા ઉપરથી સાપ નીકળતાં લીલસીંગે સાપને પકડી લીધો હતો. જો કે, ભત્રીજાએ સાપને છોડી દેવા કહેવા છતાં નશામાં ધૂત લીલસીંગ માન્યો ન હતો અને સાપને પોતાના મોઢા નજીક લાવતા સાપે જીભ કાઢતા લીલસીંગે પણ સામે જીભ કાઢી ખેલ શરૂ કરતા સાપે મોઢા ઉપર દંશ મારી દેતાં લાલસીંગ પડી ગયો હતો. બીજી તરફ લીલસીંગ સાથે બનેલી ઘટના અંગે લીલસીંગના ભત્રીજાએ પરિવારજનો અને વાડી માલિકને જાણ કરતા લીલસીંગને સારવાર માટે ખસેડયો હતો.બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન શ્રમિક યુવાનનું મોત થયું હતું. શ્રમિક લીલસિંગને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.