ધૂળના ખડકલા ઉપર જ ડામર પાથરવાની તૈયારી થતી હતી, જ્યાં ભૂગર્ભ ગટર ઉભરાતી હતી ત્યાં પણ રોડનું કામ ચાલુ કરી દેવાયુંમોરબી : મોરબીમાં સામાકાંઠે રોડનું કામ ચાલી રહ્યું હોય, જે કામ નબળું હોય અને ધૂળના નડતરરૂપ ઢગલા ખડકાયા હોવાથી સ્થાનિકોએ રાત્રીના સમયે વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ મામલે અહીં રહેતા અગ્રણી જનકસિંહ ઝાલાએ જણાવ્યું કે જૂની પોસ્ટ ઓફિસથી પરશુરામ પોટરી સુધીના રોડનું કામ ચાલુ છે. જેમાં નઝરબાગ ફાટક નં.26 અને 27 વચ્ચે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોડિયાર ચેમ્બર પાસે રેતીના નડતરરૂપ ઢગલા કરવામાં આવ્યા છે. ઉપરાંત અમુક જગ્યાએ રેતી ઉપર જ ડામર પાથરવાની તૈયારી થતી હતી. આ ઉપરાંત જ્યાં ગટર ઉભરાયેલી છે. ત્યાં પણ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી સ્થાનિકોએ આ નબળા કામ સામે વિરોધ કર્યો છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને કહ્યું કે પહેલા ધૂળના ઢગલા ઉઠાવી લેવામાં આવે, જેથી તે કોઈને નડે નહિ અને ડામર કામ કરવામાં પણ સરળતા રહે ઉપરાંત કામ પણ સારું થાય. પણ કોન્ટ્રાક્ટરે અત્યારે ધૂળ નહિ ઉપડે તેમ કહ્યું હતું. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યારે કામ રોકી દેવામાં આવ્યું છે.