કુપોષિત બાળકોનો સાચો આંકડો બહાર લાવવા ડીડીઓનું સઘન ચેકીંગ : નવેમ્બર માસ સુધીમાં જિલ્લાના કુલ 38936 બાળકોમાંથી 11.41 ટકા બાળકો મધ્યમ કુપોષિત મોરબી : સીરામીક ઉદ્યોગ થકી દેશમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ નામના ધરાવતા મોરબી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા નોર્મલ બાળકોની તુલનાએ 11 ટકાથી વધુ હોવાના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે સાથે જ મોરબી જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા પણ કુલ બાળકોની સંખ્યાની તુલનાએ 2.49 ટકા હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કુપોષિત બાળકોની સંખ્યા મામલે એક મહિનો સઘન તપાસ ઝુંબેશ ચલાવતા એક જ મહિનામાં મધ્યમ કુપોષિત બાળકોની સંખ્યામાં 357 અને અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં 135નો વધારો થયો હોવાનું ખુલ્યું છે.મોરબી જિલ્લામાં નવેમ્બર માસના અંત સુધીમાં કુલ 38936 બાળકો નોંધાયેલ છે જેમાં 11.41 ટકા બાળકો મધ્યમ કુપોષિત અને 2.49 ટકા બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જો કે, મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિને કુપોષિત બાળકોની સંખ્યા અંગે શંકા જતા તેઓએ મોરબી જિલ્લામાં આવેલ 761 આંગણવાડીમાં 7 ટિમો મારફતે એક મહિનો સુધી સઘન તપાસ ઝુંબેશ ચલાવતા નવેમ્બર મહિનામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં ઓક્ટોબર મહિનાની તુલનાએ એક જ મહિનામાં મધ્યમ કુપોષિત બાળકોની સંખ્યામાં 357 અને અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં 135નો વધારો થયો છે.બીજી તરફ મોરબી જિલ્લામાં પાંચેય તાલુકાઓમાં નોંધાયેલ મધ્યમ કુપોષિત બાળકો અને અતિ કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી આ કુપોષિત બાળકોને પણ સામાન્ય બાળકની કેટેગરીમાં લાવવા માટે આંગણવાડીમાં આપવામાં આવતા નાસ્તામા ફેરફાર કરી મેનુમાં સુધારા લાવ્યા છે સાથે જ એક્સપર્ટ ઓપિનિયન લઈ ખાસ કરીને અતિ અને મધ્યમ કુપોષિત બાળકો સ્વસ્થ બને તે દિશામાં કાર્યવાહી શરૂ કરવા પગલાં ભરવાના શરૂ કર્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું___________________________________________બાળકો માટે નાસ્તા- ભોજનનું મેનુકુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ આંગણવાડીમાં બાળકોના નાસ્તા અને ભોજનના મેનુમાં સોમથી શનિ દરમિયાન લીલા શાકભાજી, પૂરતું પ્રોટીન મળી રહે તે માટે તુવેરદાળનો લચકો, શિરો, સુખડી, ફાડા લાપસી, લીલા શાકભાજી વાળા મુઠીયા, શાકભાજી યુક્ત પુલાવ આપવાની સાથે મોટાભાગની ખાદ્ય સામગ્રીમાં સરગવાના પાનનો ઉપયોગ કરીને રસોઈ બનાવવા સૂચના આપી છે.___________________________________________સૌથી વધુ કુપોષિત બાળકો માળીયા, ટંકારા અને મોરબી-2માંમોરબી જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં નવેમ્બર-2024 સુધીમાં કુલ 38936 બાળકોમાંથી 965 અતિ કુપોષિત અને 4422 મધ્યમ કુપષિત બાળકો હોવાનું સામે આવ્યું છે ત્યારે બાળકોની સંખ્યાની તુલનાએ માળિયામાં 2614 બાળકો પૈકી 108 બાળકો એટલે કે 4.2 ટકા અતિ કુપોષિત અને 435 એટલે કે 16.93 ટકા મધ્યમ કુપોષિત હોવાનું સામે આવ્યું છે, જયારે મોરબી -2 માં કુલ 5249 બાળકો પૈકી 161 બાળકો એટલે કે 3.08 ટકા બાળકો અતિ કુપોષિત હોવાનું અને 14.96 ટકા એટલે કે, 781 બાળકો મધ્યમ કુપોષિત હોવાનું સામે આવ્યું છે. એ જ રીતે ટંકારા તાલુકામાં નોંધાયેલ કુલ 2929 પૈકી 3.36 ટકા એટલે કે 98 બાળકો અતિ કુપોષિત હોવાનું અને 363 બાળકો મધ્યમ કુપોષિત હોય 12.44 ટકા બાળકો મધ્યમ કુપોષિત કેટેગરીમાં હોવાનું આંકડા જણાવી રહ્યા છે.___________________________________________