મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ ખનીજ માફીયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે. આ મામલે ગ્રામ પંચાયત દ્વારા ભૂસ્તરશાસ્ત્રીને રજુઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે આ મચ્છુ નદીમાંથી અનેક ગામના લોકો પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મેળવે છે. જો આ મચ્છુ નદીમાંથી રેતી કાઢી નાખવામાં આવે તો નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાશ ઉત્પન્ન થાય છે. જેથી આ પાણીનો ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શક્તા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીન બિનઉપજાવ બની જાય છે. તેમજ આવા ખનીજ માફીયાઓ મચ્છુ નદીમાંથી ખનીજની ચોરી કરી સરકારને તથા ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન કરે છે.હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ હોય, ખનીજ માફીયાઓ બેફામ બનેલ હોય, તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ થતી ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.