રાજ્ય સરકાર કુલ 9 પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની સતાવાર જાહેરાત કરે તેવી શકયતામોરબી : મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત અગાઉ બજેટ વખતે કરી દેવામાં આવી હતી. પણ રાજ્ય સરકાર તા.25ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન આ અંગે સતાવાર ઘોષણા કરવાની છે.તેવું જાણવા મળી રહ્યું છે.ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાતમાં 'એ' વર્ગ ધરાવતી નવેક નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાશે. આ કારણોસર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં પણ વધારો થશે. રાજ્ય સરકાર તા.૨૫મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઈ રહી છે. આ દિવસે નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છેવિધાનસભામાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યુ ત્યારે જાહેરાત કરી હતી કે, સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે જેના ભાગરુપે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. એક તરફ, ચૂંટણી પંચ પાલિકાની ચૂંટણીઓ યોજવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તૈયારીઓ આદરી છે.સૂત્રોના મતે, રાજ્યમાં ૮૫ પાલિકાઓની ચૂંટણીઓ યોજાવવાની હતી પણ જો નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણો બધો બદલાવ આવી શકે છે કેમ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં ૬૦ પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.