આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી : જીવનનું શાસ્ત્ર અને આધ્યાત્મિક માર્ગદર્શન એટલે ગીતાગીતાજી મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે, જેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે જીવનના મહત્વપૂર્ણ પ્રશ્નોના ઉકેલ છેમોરબી : વિશ્વમાં જ્યારથી માણસ જનમ્યો ત્યારથી અત્યાર સુધીમાં બધી જ ભાષાઓમાં અનેક ગ્રંથો લખાયા છે અને આવનારા સમયમાં પણ લખાતા જ રહેશે, પણ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં મહર્ષિ વેદવ્યાસ સંકલિત, શ્રીકૃષ્ણાર્જુન સંવાદિત અને મહાભારત ગ્રંથમાં સમાવિષ્ટ એક ગ્રંથ એટલે શ્રીમદ્ ભગ્વદ્ ગીતા ! પ્રશ્ન કોઈપણ હોય, ગમે તે કાળનો હોય, જાતિ-સમાજ-ધર્મ કે સમયથી ઉદ્ભવેલો હોય પણ ગીતા તે દરેક પ્રશ્નનો તાર્કિક અને વ્યવહારિક જવાબ આપે છે.શ્રીમદ્ ભગ્વદ્ ગીતા - બિનસાંપ્રદાયિક પવિત્ર ગ્રંથ છે, જે જીવનમાં કર્તવ્ય અને આધ્યાત્મિકતાનું માર્ગદર્શન આપે છે. આ ગ્રંથને ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક ધોરણે જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ અને શ્રેષ્ઠ જીવન જીવવા માટેના માર્ગદર્શક ગ્રંથ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતી પંચાંગ મુજબ માર્ગશિર્ષ શુક્લ એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને જીવનના સિદ્ધાંતોનું અમૂલ્ય જ્ઞાન આપ્યું હતું.શ્રીમદ્ ભગવદ ગીતા જીવનનો સાર છે. ગીતાજીના 18 અધ્યાય અને 700 શ્લોકો જીવનને ઊંડા અર્થ સાથે જીવવા માટે પ્રેરિત કરે છે. ગીતાજી મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે, જેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે જીવનના મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા, અર્જુન ચિંતામાં ડૂબી જાય છે અને યુદ્ધમાંથી પલાયન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને જીવનના તત્વજ્ઞાનના ઉપદેશ આપ્યા, જે આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. તેના મુખ્ય સિદ્ધાંતોમાં છે - કર્મ યોગ: કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરો અને પરિણામોની ચિંતામાં ન પડો.જ્ઞાન યોગ: જીવનમાં સાચી જાણકારી મેળવવા માટે પ્રયત્નશીલ રહો.ભક્તિ યોગ: દૈવ પર શ્રદ્ધા રાખી ભક્તિપૂર્વક જીવન જીવવું.સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી વહેલું અમૃત એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. ગીતાજીના કેટલાય અનુવાદો થયા. કેટલીયે ટીકાઓ લખાઈ. કોઈકે પોતાના દ્રષ્ટિકોણથી લખી. કોઈકે પ્રભુનો દ્રષ્ટિકોણ ઉકેલવાની કોશિશ કરી. પરંતુ એનો સંપૂર્ણ તાગ હજી સુધી ક્યાં કોઈ મેળવી શક્યું નથી. એ માનવમાત્ર માટે જીવનગ્રંથ છે. જેની જન્મ જયંતી ઉજવાય છે, એવો ગ્રંથ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. આ કોઈપણ દેશ-પ્રદેશ, સંપ્રદાય, પંથ, વાડા, રંગ માન્યતાઓથી જોજનો દૂર એવો અણીશુદ્ધ વૈશ્વિક જીવનગ્રંથ છે.મહાભારતના યુદ્ધ દરમિયાન કહેવાયેલી ગીતા આમ જોવા જઈએ તો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. પ્રશ્ન કરનાર પણ એટલો ઉચ્ચ કક્ષાનો હોવો જોઈએ જેટલો જવાબ આપનારો હોય. અથવા બીજી રીતે જોઈ શકાય કે જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ એટલી જ થકવી અને તોડી નાખનારી હોવી જોઈએ કે તમે પરમ તત્વને ૧૦૦% સમર્પિત થયા વગર તેના ઉકેલને પચાવી ન શકો. મહાભારતના પાત્રોના માધ્યમથી ભગવાને સ્વમુખે માનવજાતને શાશ્વત, સનાતન માર્ગદર્શન કર્યું છે.