નાની વાવડી ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત મોરબી : મોરબીમાં વાવડી ચોકડીએ સતત ટ્રાફિક રહેતો હોય જેના માટે ત્યાં કાયમી મિની પોલીસ છાવણી બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિક નીલેશ.પી.આહીર દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી વિસ્તારમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા રહે છે, જેમાની ઘણી સમસ્યાનો આપની કચેરી દ્વારા હલ કરવામાં આવેલ છે, પરંતુ હાલમાં વાવડી ગામથી મોરબી આવવા માટે વચ્ચે આવતી વાવડી ચોકડીએ સવાર અને સાંજના સમયે બવ મોટો ટ્રાફિક જામ રહે છે,તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે,આ ટ્રાફિકના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો આ એક ગંભીર બાબત કહેવાઈ આને કારણે લોકોનો જીવ પણ જઇ શકે છે. મોરબીમાં રવાપર ચોકડી, રાજપર-સનાળા ચોકડી ઉપર ઊભી કરેલી પોલીસ જવાન માટે ઠંડી તડકો કે વરસાદથી રક્ષણ મળી રહે તેવી એક સ્થાયી મિનિ પોલિસ છાવણી બનાવી છે, તેવી રીતે વાવડી ચોકડીએ પણ મિનિ પોલિસ છાવણી બનાવી 24 કલાક પોલિસ તૈનાત કરવાની સાથે ટીઆરબી જવાન રાખી વાવડી ચોકડી એ થતો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે માંગણી કરવામાં આવી છે.