દરરોજ માત્ર 60થી 70 જેટલા જ ટોકન અપાઈ છે, ટોકન મળી ગયા બાદ પણ વારો ન આવતો હોવાનો અરજદારોનો બળાપો https://youtu.be/HhHdhnJDaF4મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાય.... તંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે. લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હજુ ડીજીટલાઇઝેશનની વાતો તો ઘણી દૂર છે. મોરબીમાં જન્મ-મરણના સામાન્ય એવા દાખલા કઢાવવાના કામમાં પણ લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. મોરબી સહિત રાજ્યભરમાં જન્મ મરણના દાખલાની કામગીરી સર્વરના ધાંધિયાને કારણે અટકી પડી છે. છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા કચેરીએ લોકો લાંબી કતારો લગાવીને બેસે છે. પણ જન્મ મરણના દાખલાઓ નીકળતા નથી. જે દાખલા નીકળે છે તે પણ કલાકોમાં નીકળે છે. આજે પણ જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો જોવા મળી રહી છે પરિણામે દૂર-દૂરથી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં દરરોજ 60થી 70 જેટલા ટોકન આપવામાં આવે છે. જેને ટોકન મળે છે એવા લોકોને પણ દાખલા ન કાઢી આપવામાં આવતા હોવાની અરજદારો રાવ કરી રહ્યા છે. બીજી તરફ અનેક ગામડાના બહેનોની ડિલિવરી મોરબી શહેરની હોસ્પિટલોમા થઈ હોય, બાળકના જન્મનો દાખલો કઢાવવા માટે તેઓને ગામડેથી મોરબી નગરપાલિકા કચેરીએ આવવું પડે છે. ઘણા લોકોને 2થી ત્રણ ધક્કા ખાવા છતાં પણ કામ થઈ રહ્યું નથી.મોરબી જન્મ મરણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આખા ગુજરાતમાં સર્વરમાં સમસ્યા છે. એક દાખલો નીકળતા 10થી 15 મીનિટ જેટલો સમય લાગે છે. જો કે બીજી તરફ તેઓએ એવો દાવો કર્યો કે 100થી 150 જેટલા દાખલાઓ દરરોજ કાઢી આપવામાં આવે છે. ____________________________________________મારે 4 મહિનાનું બાળક છે, તેને સાથે લઈ આ 20મો ધક્કો છે : મહિલા અરજદારઆજે જન્મ મરણ વિભાગની કતારમાં ઉભેલા એક મહિલા અરજદારે જણાવ્યું કે બાળક 4 મહિનાનું થયુ છે. તેનો જન્મ થયો ત્યારથી જન્મનો દાખલો કઢાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બાળકને સાથે લઈને આજે 20મો ધક્કો ખાધો છે. હજી દાખલો નીકળ્યો નથી. ____________________________________________મોરબી અપડેટનું લાઈવ શરૂ થતાં ટોકન સિસ્ટમ બંધ, બધાના ફોર્મ સ્વીકારી લેવાયામોરબી અપડેટ દ્વારા લોકોને પડતી હાલાકી અંગે આજે લાઈવ કરવામાં આવ્યું હતું. આ લાઈવ શરૂ થતાં જ જન્મ મરણ વિભાગે કામગીરીમાં ફેરફાર કરી નાખ્યો હતો. અત્યાર સુધી માત્ર 60-70 ટોકન આપવામાં આવતા હતા. બાકીના લોકોને બીજે દિવસે આવવું પડતું હતું. ટોકન મેળવનારને પણ કતારમાં ઉભું રહેવું પડતું હતું. જો કે આજે આ નિયમ ફેરવી નાખવામાં આવ્યો છે. પાલિકાએ આજે ઉપસ્થિત તમામ અરજદારોના ફોર્મ સ્વીકારી લીધા છે. હવે જ્યારે દાખલો નીકળી જશે પાલિકા અરજદારને ફોન કરી જાણ કરશે.____________________________________________