ખેડૂતે 300 વિઘાના કપાસ માટે બિયારણ ખરીદ્યું હતું, પણ ઉત્પાદન જ ન મળ્યું : માળિયા પોલીસમાં ફરિયાદમોરબી : માળિયાના ખેડૂતને બોટાદના વેપારીએ બોગસ બિયારણ પધરાવીને આશરે 87 લાખ છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ખેડૂતે પોલીસને અરજી કરતા પોલીસે તપાસ આદરી છે. માળીયા-મીયાણા તાલુકામાં આવેલા નવા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા જે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા હતા. જોકે બાંધકામ ધંધો બરાબર ન ચાલતા તેઓએ પંકજભાઈ રામજીભાઈ સાદરિયા અને રવજીભાઈ ધરમશિભાઈ ઘુમલિયા સાથે મળી ગત ચોમાસા દરમિયાન માળિયાના અલગ-અલગ ગામના ખેડૂતોની અંદાજિત 300 વીઘા જમીન વાવેતર માટે વિઘોટી રાખી હતી.તેઓના જણાવ્યા અનુસાર તેઓએ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અમરાભાઇ રબારી પાસેથી બિયારણ લીધું હતું. અમરાભાઇએ જે તે વખતે તેમને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે, 300 વીઘા જમીનમાં વિભાજિત 15 મણ જેટલો એટલે કે કુલ 4500 મણ જેટલો કપાસ થશે. પરંતુ જ્યારે વાવેતર કર્યા બાદ પાક લેવાનો સમય આવ્યો ત્યારે માત્ર 250 મણ જેટલો જ ઉત્પાદન થતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું હતું. બાદમાં તેઓને પહેલા રૂ.1 લાખ તથા પછી રૂ.5 લાખ આપવાની ઓફર પણ મળી હતી. ચતુરભાઈએ જે તે વખતે વાવેતર તેમજ ખેતીને લગતા અલગ-અલગ ખર્ચ સહી કુલ આશરે 84 લાખ રૂપિયાનું ખર્ચ કર્યો હતો. જેની સામે તેમને પરત વળતર ન મળતા તેઓએ અમરાભાઇએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.