ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા પત્ની, પુત્રી ઇજાગ્રસ્ત ; ટ્રક ચાલક ફરારમોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમા ખેતમજૂરી કરતો શ્રમિક પરિવાર અન્ય વાડીએ મજૂરીકામે બાઈક લઈને જતો હતો ત્યારે રવિરાજ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચલાવતા ખેતશ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં ખેતમજૂરી કરતા નંદલાલ શિવરામભાઈ વાસકેલ, તેમના પત્ની બુદ્ધિબાઈ અને દીકરી રીંકુ બાઇકમાં બીજી વાડીએ જતા હતા ત્યારે રવિરાજ ચોકડી નજીક જીજે - 12 - બીએક્સ - 2121 નંબરના ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચલાવી રહેલા નંદલાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બુદ્ધિબાઈ અને રીંકુને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મૃતકના સાઢુંભાઈ રેવારામભાઈ બામણિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.