બિલાડી ખોવાઈ જવા મુદ્દે રીક્ષા ચાલક સાથે કરી માથાકૂટ, લોકોના ટોળેટોળા ઉમટ્યા, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, બાદમાં સમાધાન થતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબીમાં સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ ગત મોડી રાત્રીએ રોડ ઉપર એક રિક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. જો કે બાદમાં સમાધાન થઈ જતા આ મામલો થાળે પડયો હતો. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબીમાં સ્પામાં કામ કરતી ત્રણ યુવતિઓને ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ બાજુ જવાનું હોય, તેઓ રિક્ષામાં બેસી નિર્ધારિત જગ્યાએ જઈ રહ્યા હતા. આ વેળાએ મહેશ હોટેલ પાસે યુવતીની બિલાડી ખોવાઈ જવા મુદ્દે રીક્ષા ચાલક સાથે માથાકૂટ થઈ હતી. જેમાં યુવતીઓએ રિક્ષામાં તોડફોડ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માથાકૂટને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં સ્પા સંચાલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ સમજાવટ કરાવતા મામલો થાળે પડ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.