વિદ્યાર્થિનીઓએ રામપરા ફોરેસ્ટની લીધી મુલાકાતમોરબી : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 અન્વયે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રી -વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બેગલેશ ડેના ભાગરૂપે મોરબીના દરબારગઢની પીએમ શ્રી તાલુકા શાળા નં.2ની ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ માટે નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડિયા સાહેબ ( R.F.O )ની સૂચના મુજબ પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.રામપરા રાઉન્ડ ફોરેસ્ટર જે. કે. ઝાલા તેમજ વનરક્ષક વી. જે. ગોહિલ તથા ટમારીયા સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓને રામપરામાં ઉગતી જંગલની વિવિધ વનસ્પતિઓ, વિવિધ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને વહેલી સવારે જંગલ ટ્રેઈલ કરાવી પ્રાણીઓના પંજાના નિશાનની સમજૂતી આપી હતી. રાત્રે કેમ્પ ફાયર કરીને વિદ્યાર્થિનીઓમાં રહેલી વિવિધ કૌશલ્ય નિહાળવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓને પોતાના જન્મદિવસની ઉજવણીમાં એક એક વૃક્ષ વાવવા પ્રેરણા પૂરી પાડી તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કટીબદ્ધ બનવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રકૃતિના ખોળામાં વિદ્યાર્થિનીઓએ અનુભવજન્ય જ્ઞાન મેળવી અનેરો આનંદ મેળવ્યો હતો. સમગ્ર શિબિરનું સુચારું આયોજન પીએમ શ્રી તાલુકા શાળા નં. 2 ના શિક્ષક પ્રહલાદસિંહ જાડેજા અને નફિસાબેન જુણાચ એ સંભાળ્યું હતું.