વેરો ભરવામાં નહીં સમજતા 500 બાકીદારો વિરુદ્ધ આગામી સપ્તાહથી ઝુંબેશ : મોરબીમાં 85 હજાર પૈકી ફક્ત 19840 મિલ્કતધારકોએ વેરો ભર્યો : 35 કરોડના માંગણા સામે 10 કરોડ રૂપિયા આવ્યામોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ આસામીઓ સામે હવે મિલ્કતો સીલ કરવી, જપ્તી તેમજ હરરાજીની કાર્યવાહી માટે વોરંટ ઈશ્યુ કરવા તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેરમાં નાગરિકો મિલ્કત વેરો-પાણી વેરો અને વ્યવસાય વેરો ભરવાની દરકાર લેતા ન હોવાથી મોરબીનો વિકાસ રૂંધાવાની સાથે સ્વભંડોળના કામો અટકી પડયા છે ત્યારે નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતા જ બાકી મિલ્કત વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરવા નક્કી કરી એક લાખથી વધુની બાકી વેરો નહીં ભરનાર અસામીઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે.મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં નોંધાયેલ કુલ 85 હજારથી વધુ મિલ્કતો પૈકી અત્યાર સુધીમાં ફક્ત 19840 મિલ્કતધારકોએ વેરો ભરવા દરકાર લીધી છે પરિણામે કુલ 35 કરોડ રૂપિયાના માંગણા સામે પાલિકાએ અત્યાર સુધીમાં 10 કરોડ જેવી વસુલાત કરી છે. જો કે, માર્ચ મહિના સુધીમાં નગરપાલિકાને વધુને વધુ ટેક્સની આવક થાય તે માટે હાલમાં એક લાખથી લઈ 15 લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 500 અસામીઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.__________________________________________મિલ્કત જપ્તી માટે વોરંટ ઈશ્યુ કરવામાં આવશેમોરબી નગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા એક લાખથી વધુ બાકી વેરો હોય તેવા અસામીઓને અગાઉ નોટિસો ફટકારવામાં આવ્યા બાદ હવે આખરી નોટિસ ઈશ્યુ કરવામાં આવશે અને જે બાદ વોરંટ ઈશ્યુ કરી બાકી મિલકતવેરો નહીં ભરનાર અસામીઓની મિલ્કત સીલ કરવી, જપ્ત કરવી તેમજ આવી મિલકતોની હરરાજી કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચીફ ઓફિસર વાળાએ જણાવ્યું હતું.__________________________________________મોટા બાકીદારોના નામ અખબારમાં પ્રસિદ્ધ કરાશેમોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને કડક ઉઘરાણી કરવા નક્કી કર્યું છે. હાલમાં નગરપાલિકા દ્વારા મોટા બાકીદારોને આખરી નોટિસો આપવામાં આવી રહી છે અને આમ છતાં પણ આવા મિલ્કતધારકો વેરો નહીં ચૂકવે તો આવા મોટા બાકીદારોના નામ અખબારોમાં તેમજ સ્થાનિક હોર્ડિંગ્સમાં જાહેર કરી ઉઘરાણી કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું__________________________________________