ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે છતાં યુરિયા મળતું નથી, તેવામાં 1000 થેલી ખાતર ઝડપાતા ચકચાર હળવદ : હળવદમાં એક જગ્યાએથી ખાતરનો મોટો જથ્થો પકડાયો છે. અહીં ખાતરનું કૌભાંડ થતું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હળવદ પીઆઇ આર.ટી. વ્યાસની ટીમે હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી 300 બેગ યુરિયા ખાતર ઝડપાયું હતું. જ્યારે એક વાહનમાં લોડ કરેલું 700 બેગ યુરિયા પણ મળી આવ્યું હતું. આમ કુલ 1000 બેગ યુરિયા ખાતરની કબ્જે કરવામાં આવી છે. આ મામલે ખેતીવાડી અધિકારીને પણ જાણ કરવામાં આવતા તેઓની ટિમ પણ તપાસમાં જોડાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં 40 કિલોની યુરિયા બેગમાંથી ખાતર કાઢીને 50 કિલોની બેગ ભરી તેનું અન્ય જગ્યાએ વેચાણ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે ત્યારબાદ તેને યુરિયા ખાતર મળતું હોય છે. અનેક ખેડૂતોને શિયાળામાં પાકનું વાવેતર કર્યા બાદ યુરિયા ન મળ્યા અન્ય ખાતરથી કામ ચલાવવું પડતું હોય છે.તેવામાં યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવતું હતું તે દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.