૭મી ડિસેમ્બર એટલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ : મા ભોમની રક્ષા કરતા સૈનિકો માટે ભંડોળ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસરમોરબી : આપણે દેશમાં સલામત છીએ, કારણ કે દુર્ગમ સ્થિતિમાં કષ્ટ વેઠીને દેશની સરહદોની રક્ષા સૈન્યના જવાનો કરે છે. આ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સહયોગી થવું એ નાગરિકોની નૈતિક ફરજ છે. નાગરિકો આપણા દેશના સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિ માટે પોતાનું અનુદાન આપી શકે તે માટે, દેશમાં દર વર્ષે ૭મી ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી બાદ ભારત સરકારને સૈન્યના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે ૨૮ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ સંરક્ષણ પ્રધાનના નેતૃત્વમાં સમિતિ રચાઈ હતી. આ સમિતિએ દર વર્ષે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું. આમ દેશમાં સન ૧૯૪૯થી દર વર્ષે ૭ ડિસેમ્બર ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ તરીકે મનાવવાની શરૂઆત થઈ. ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને નાના ધ્વજ વિતરીત કરી તેના બદલામાં અનુદાન એકત્રિત કરવાનો હતો. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણીનો હેતુ હતો. ઉપરાંત યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિ સામે સૈનિકોના પરિવારોનું પુનર્વસન, સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ એ હેતુ પણ છે. આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભૂમિસેના, વાયુસેના અને નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમના જવાનો દ્વારા ઉઠાવાતી જહેમત અને બલિદાનને નાગરિકો જોઈ-જાણી શકે તે માટે શો, કાર્નિવલ, નાટક અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે દેશમાં ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરીને નાગરિકો પાસેથી ભંડોળ એકઠું કરવામાં આવે છે. સંરક્ષણ મંત્રીની સમિતિ દ્વારા સન ૧૯૪૯માં ધ્વજ દિવસ ભંડોળની સ્થાપના થયા પછી, સન ૧૯૯૩માં ભારતના સંરક્ષણ મંત્રાલયે સંબંધિત કલ્યાણ ભંડોળને એક સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ફંડમાં એકીકૃત કર્યું હતું. આ એકીકૃત ભંડોળમાં (૧) યુદ્ધ પીડિત, યુદ્ધ અક્ષમ અને અન્ય ભૂતપૂર્વ સૈનિકો-સેવા કરતા કર્મચારીઓ માટે એકીકૃત વિશેષ ભંડોળ (૨) ધ્વજ દિવસ ભંડોળ (૩) સંત ડનસ્ટાન્સ (ભારત) અને કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ (૪) ભારતીય ગોરખા ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિધિ (૫) ભંડોળ સંગ્રહનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના ભાગ એવા કેન્દ્રીય સૈનિક બોર્ડ અને તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ સંગ્રહનું સંચાલન કરવામાં આવે છે. આ ભંડોળનું સંચાલન કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં મેનેજિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારોના કાર્યકારી વડાઓ દ્વારા કરવામાં આવે છે. સંગ્રહનું આયોજન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સત્તાવાર અને બિન-સત્તાવાર માધ્યમો થકી થાય છે.કેન્દ્રમાં કેન્દ્રીય સૈનિક બોર્ડની જેમ, રાજ્ય-જિલ્લા સૈનિક બોર્ડ તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/જિલ્લાઓમાં રહેતા ભૂતપૂર્વ સૈનિકો, ગંગા સ્વરૂપા અને તેમના આશ્રિતો માટે નીતિ ઘડતર અને પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટે કાર્યરત છે. કેન્દ્ર સરકારને મદદ કરવા માટે, દેશમાં ૩૨ રાજ્ય સૈનિક બોર્ડ અને ૩૯૨ જિલ્લા સૈનિક બોર્ડ છે. દરેક નાગરિક સશસ્ત્ર સેના ધ્વજ દિને ઉમદા હાથે અનુદાન આપીને સૈન્યના જવાનોના કલ્યાણ માટે પોતાની નૈતિક ફરજ અદા કરે એ જરૂરી છે. સશસ્ત્ર સેના ધ્વજ દિને મા ભોમની રક્ષા કરતા સૈનિકો માટે ભંડોળ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.