રેડક્રોસના સહયોગથી આયોજિત કેમ્પમાં 40 જેટલા પત્રકારોના મેડિકલ ટેસ્ટ કરાયામોરબી : મોરબી ખાતે આજરોજ તારીખ 7-12-2024ના રોજ મીડિયા કર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી સંચાલિત ગોકુલ વીઝીટીંગ સેન્ટર, ડો.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી ખાતે યોજાયો હતો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.રેડક્રોસ સોસાયટીની અમદાવાદની ટીમ દ્વારા આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જુદા- જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ, સીબીસી, લિપિડ પ્રોફાઈલ, કિડની- લિવર ફંકશન ટેસ્ટ, વિટામીન ડી અને બી 12, એક્સ- રે, ઈ.સી.જી. ડેન્ટલ, મેમોગ્રાફી, પેપ સ્મિઅર ટેસ્ટ સહિતના રિપોર્ટ જરૂરિયાત મુજબ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા, કચેરી અધિક્ષક શૈલેષભાઈ ગોહિલ સહિતનાં સ્ટાફ દ્વારા મીડિયાકર્મી સાથે સંકલનમાં રહી કેમ્પમાં 40થી વધુ પત્રકારો ભાઈઓ, બહેનોના રિપોર્ટ્સની કામગીરીનું વ્યવસ્થાપન સંભળવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ રેડક્રોસ સોસાયટીના રેડક્રોસ અમદાવાદ શાખામાંથી આવેલા લેબ ટેક્નિશિયનશ્રી અમિત પટેલ અને ભરતભાઈ, એકસ રે જીતુભાઈ સુખડિયા, ઈસીજી સુરેશભાઈ, નટુભાઈ સહિતની ટીમ દ્વારા પત્રકારો માટે રજીસ્ટ્રેશનથી રિપોર્ટ સુધી સહયોગ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પ માટે સંસ્થાની વ્યવસ્થા સહિતની સગવડ ડો.પરેશભાઈ પારિયાએ ઉપલબ્ધ કરાવડાવી હતી. આ કેમ્પ માટે મોરબી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જલકૃતિબેન મહેતા, બળવંતસિંહ જાડેજા, ઓપરેટર ભરતભાઈ ફૂલતરિયા, સિનીયર કલાર્ક આનંદભાઈ ગઢવી, જુનિયર ક્લાર્ક જય રાજપરા, ફોટોગ્રાફર પ્રવીણભાઈ સનાળીયા, જયેશભાઇ વ્યાસ, કિશોરભાઈ ગોસ્વામી, અજય મુછડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે, તમામ પત્રકારોના કરાયેલા રિપોર્ટ્સની સોફ્ટ કોપી તેમને વોટ્સએપ નંબર પર મળી જશે, જ્યારે પ્રિન્ટ કોપી એક સપ્તાહમાં જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતેથી ઉપલબ્ધ બનશે.મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના 'ફિટ ઈંડિયા- ફિટ મીડિયા' વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.