ટંકારાના ખાનપર ઘુનડા ગામે સીરામીકના ધંધામાં ખોટ જતા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરોએ હેવાનીયત આચરીટંકારા : મોરબી જિલ્લામાં વ્યાજખોરીના એક બાદ એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે તેવામાં ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેતા યુવાનને સિરામિકના ધંધામાં ખોટ જતા વ્યાજખોરો પાસેથી ત્રીસ લાખ વ્યાજે લઈ 20 લાખ ચૂકવી આપવા છતાં વ્યાજખોરોએ પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપી છરીની અણીએ ભોગ બનનાર યુવાનને ટંકારા લઈ જઈ 9 વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લેતા ચોંકાવનારા બનાવ અંગે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેતા વર્ષાબેન બીપીનભાઈ કાસુન્દ્રા નામના પરિણીતાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી કાલિકાસિંહ બનેસંગ ગોહિલ, સવજીભાઈ લાલજીભાઈ માલકીયા અને મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2020મા તેમના પતિ બીપીનભાઈને સીરામીકના ધંધામાં ખોટ જતા આરોપીઓ પાસે જમીન ગીરવે મૂકી 30 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં 20 લાખ પરત આપી દેવા છતાં આરોપીઓએ તેમના પુત્ર પ્રથમને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પતિ બીપીનભાઈને છરીની અણીએ ટંકારા લઈ જઈ 9 વિઘા જમીનનો દસ્તાવેજ રોહિતસિંહ બનેસંગ ગોહિલના નામે કરાવી લીધો હતો અને બાકી રહેતા 12 લાખ આપ્યેથી ફરી આ જમીન ફરિયાદીના નામે કરી દેશે તેવું કહેતા વર્ષાબેને બીજું ખેતર વેચી 12 લાખ ચૂકવવા જતા હવે જમીન ભૂલી જાજો કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.