ભેજા બાજ ગઠિયાઓએ ઓનલાઈન રોકાણ કરવા લિંક મોકલી યુવાનને સારા નફાની લાલચે ફસાવ્યો, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીના એસપી રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં નોકરી કરતા યુવાનને અમેરિકન શેરબજારમાં રોકાણ કરી સારો નફો કમાવાની લાલચ આપી ઠગ ટોળકીએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી બે મહિનાના સમય ગાળામાં અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી રૂપિયા 85.42 લાખથી વધુ નાણાં પડાવી લઈ છેતરપિંડી કરતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.શેરબજારમા રોકાણના નામે ઓનલાઈન થયેલ છેતરપિંડીના આ બનાવની વિગત જોઈએ તો મોરબીના રવાપરમા એસપી રોડ ઉપર સિલ્વર હાઇટ્સમા રહેતા અને ઉંચી માંડલ ખાતે આવેલ એકોર્ડ વીટ્રીફાઇડમાં નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ નાગજીભાઈ સુતરિયાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્સએપ નંબર તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટ ધરાવતા 10 આરોપી તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ રૂપિયા 85,42,100ની ઓનલાઈન છેતરપિંડી કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ધર્મેન્દ્રભાઈ સુતરિયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.16 ઓક્ટોબર 2024થી 8 નવેમ્બર 2024 દરમિયાન મોબાઈલ નંબર 9972453247 સહિતના અલગ અલગ ત્રણ વોટ્સએપ ધારકોએ ધર્મેન્દ્રભાઈને વીઆઇપી 14 સુરેન્દ્ર સ્ટોક એક્સચેન્જગ્રુપ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શ્રદ્ધા ચોપરા અને સુરેન્દ્ર દુબે નામના શખ્સોએ ઉંચો નફો કમાવવા અમેરિકાના શેરબજારમાં રોકાણ કરવા તેમજ આઇપીઓ ભરવાનું જણાવી અલગ અલગ સમયે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 85,42,100 મેળવી લઈ પરત કર્યા ન હતા. આ બનાવમાં પોલીસે વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ યુકો બેન્ક અને બંધન બેન્કના અલગ અલગ એકાઉન્ટ નંબરના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.