મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો ગોરખીજડિયા ખાતે પ્રારંભ : બે દિવસ કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને આધુનિક ખેતી વિશે માહીતી આપશેમોરબી : મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો ગોરખીજડિયા ખાતે પ્રારંભ થયો છે. જેમાં આજથી બે દિવસ કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને આધુનિક ખેતી વિશે માહીતી આપશે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઉમટી પડ્યા હતા. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ શરૂ થયો છે. જેમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મામલતદાર ધનવાણી, મોરબી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન તુલશીભાઇ પાટડીયા, કૃષિ અધિકારી દેત્રોજા તથા મોરબી તાલુકા વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિ રહી હતી. કૃષિ મહોત્સવના શુભારંભ સમયે વકત્વયમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનને અભિનંદન આપતા જણાવ્યુ કે ગત ચોમાસામા અતિવૃષ્ટિથી થયેલ નુકશાનનો સર્વે કરાવવામા મોરબી તાલુકાના ખેતીવાડીના અધિકારીઓ અને ગ્રામસેવકે જહેમત ઉઠાવી હતી. ગુજરાતમાં રૂ. 1419 કરોડ રકમ ખેડૂતોને ચુકવવામાં આવી છે. જેમાંથી રૂ. 76 કરોડ જેટલી માતબર રકમ માત્ર મોરબી તાલુકાના ખેડુતો ને વળતર તરીકે મંજુર થયેલ છે. આ કૃષિ મહોત્સવમાં તા. 6 અને 7 ડિસેમ્બર સુધી જુદા જુદા કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને આધુનિક ખેતી વિશે માહીતી અપાશે. કાર્યક્રમનુ સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામા આવ્યુ હતું.