પ્રદેશ ભાજપે 8 નિયમો અમલમાં મુકતા અમુક સ્થાનિક નેતાઓની પ્રમુખ પદની હરોળમાંથી બાદબાકી ટંકારા : ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈને હાલ પંથકના ત્રણ સ્થાનિક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આકરા નિયમો મુકતા અમુક નેતાઓની પ્રમુખ પદની હરોળમાંથી બાદબાકી થઈ ગઈ છે. હાલ ટંકારા નગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં આ પૂર્વે ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરી દેવાનો તખ્તો ઘડાઈ ગયો છે. જો કે આ વખતે પ્રદેશ ભાજપે 8 નિયમો મુક્યાં છે. જેથી અગાઉ લોબિંગ કરતા અમુક નેતાઓ જેવા કે દિનેશભાઈ વાધરિયા અને વિરપરના સરપંચ મહેશભાઈ લિખિયા સહિતના માટે હવે પ્રમુખ પદ સુધીનું અંતર વધી ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ હાલ તાલુકા ભાજપ પ્રમુખ માટે મયુરભાઈ ફેફર, નિલેશભાઈ, કાસુન્દ્રા અને જગદીશભાઈ પનારાનું નામ ચર્ચાઈ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટંકારા શહેર ભાજપ પ્રમુખની પસંદગી નગરપાલિકાની ચૂંટણી પતે પછી કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.