તા.7 અને 8 એમ બે દિવસ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલશે : 8 નિયમોના પાલન સાથે જ પ્રમુખ પદ અપાશેમોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા 8 મંડલોના નવા પ્રમુખ નિમવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે નવા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ તા.7 અને 8 એમ બે દિવસ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલશે.મોરબી જિલ્લાના તમામ 9 મંડલ પ્રમુખની ઉમેદવારી માટે તા. 7 (શનિવાર) અને તા.8(રવિવાર) બે દિવસ સવારે 10 થી 3 વાગ્યા સુધી જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ, જિલ્લા કાર્યાલય ઉપર ઉમેદવારી ફોર્મ સ્વીકારશે. ઉમેદવારી ફોર્મ ઉપરોક્ત સમયે ચૂંટણી અધિકારી પાસેથી મળશે. સમય પૂર્ણ થયા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.મંડલ પ્રમુખની પસંદગી માટે 8 યોગ્યતાના માપદંડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં એક વખત કુલ મળીને બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્ષિ નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર). મહત્તમ ઉંમર 40 ની હોવી જોઈએ, જેમાં ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહતમ ૪૫ વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. (આધારકાર્ડ/લાઈસન્સ/પાસપોર્ટ/શાળા છોડયાનું પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો આમાંથી કોઈ પણ બે સાથે જોડવાના રહેશે. મંડલ પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલની ટીમમાં અથવા જીલ્લાની ટીમ, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. વર્તમાનમાં સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તા મંડલ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહીં. મંડલ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો). જે મંડલ પ્રમુખ સતત બે ટર્મ મંડલ પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. ઉમેદવારે ફોર્મ સાથે 2 ફોટા આપવાં ફરજીયાત છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીની યાદીમાં જણાવાયું છે.