ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિંદુ પરના અત્યાચાર રોકાવે તેવી માગમોરબી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં આજ રોજ મોરબીમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વડાપ્રધાનને રજૂઆત કરી છે. મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ તથા કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, હિન્દુઓ વસુદેવ કુટુંબની ભાવનાથી દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓના મંદિરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓને બહુમતી ધરાવતા આપણા દેશ પાસે ઘણી આશાઓ છે. છતાં ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર આ મામલે હસ્તક્ષેપ કરી નક્કર પગલા લે તેવી માગ સાથે વડાપ્રધાનને રજુઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.