સૌથી વધુ ટંકારામાં 56.22 % અને સૌથી ઓછી મોરબી તાલુકામાં 35.75 : ગત વર્ષે વેરા વસૂલાતમાં મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો હતો મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામપંચાયતોમાં 100 ટકા ઝડપી વેરા વસુલાત થાય તેમ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોને કારણે ગત વર્ષ મોરબી જિલ્લો વેરા વસુલાતમાં સમગ્ર રાજ્યમાં અવલ્લ નંબરે આવ્યા બાદ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં નવેમ્બર અંત સુધીમાં 39 ટકા વેરા વસુલાત થઇ ગઈ છે અને માર્ચ પૂર્વે વધુને વધુ વેરો વસુલ થાય તેમ માટે ગ્રામપંચાયતો નાગરિકોની સુગમતા મુજબ વેરા વસુલાત કરી રહી છે.મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પંચાયત શાખાના નાયબ ચીટનીશ વિપુલ એમ. જીવાણી દ્વારા અત્યારથી જ વેરા વસુલાત ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 39.01 % જેટલી વસુલાત કરવામાં આવી છે ઉપરાંત જે ગામોમાં ઓછી વસુલાત થઇ છે તેવા ગામોમાં ઘરે ઘરે જઈ અને વેરા વસુલાત કરવામાં આવી રહી છે. ગત વર્ષે 53.86 ટકા વસુલાત થઇ હતી જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતી, જેમાં 23.53 કરોડના માંગણા સામે રૂપિયા 12.67 કરોડની વસુલાત થઇ હતી.__________________________________________મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે થયેલી વસુલાત મોરબી તાલુકોમાંગણું : 9,55,48,673 વસુલાત : 3,41,59,771 (35.75 %)__________________________________________વાંકાનેર તાલુકોમાંગણું : 4,74,72,340 વસુલાત :1,87,54,176 (39.51 %)__________________________________________હળવદ તાલુકો માંગણું : 2,38,89,545 વસુલાત : 90,00,224 (37.67 %)__________________________________________ટંકારા તાલુકો માંગણું :1,97,06,884 વસુલાત : 1,10,80,178 (56.22 %)__________________________________________માળીયા તાલુકો માંગણું : 96,18,729 વસુલાત : 35,62,991 (37.04 %)__________________________________________રવાપરમા રાત્રીના સમયે વેરા વસુલાતની કામગીરીમોરબી જિલ્લામાં સૌથી વધુ વેરો રવાપર ગ્રામ પંચાયતમાં આવે છે. રવાપરમાં રૂપિયા 2.60 કરોડના માંગણા સામે અત્યાર સુધીમાં રૂ.40 લાખની વસુલાત થઇ છે. બીજી તર્ફમાં વસવાટ કરતા મોટાભાગના રહેવાસીઓ સીરામીક વ્યવસાય સાથે જોડાયેલ હોય નાગરિકોની સુગમતા માટે પંચાયતના કર્મચારીઓ રાત્રીના સમયે સોસાયટીઓમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર લઈને જાય છે અને ત્યાં જ તેમનો વેરો વસૂલી પહોંચ પણ આપી દે છે.__________________________________________100 ટકા વસુલાત થયેલ ગામો મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં 100 ટકા વેરા વસુલાત માટે જિલ્લા પંચાયત સઘન પ્રયાસો કરી લોકોને વેરો ભરવા માટે સમજુત કરી ગામના વિકાસ માટે વેરો ભરવા આગ્રહ કરે છે ત્યારે મોરબી જિલ્લામાં રામપર પાડાબેકર, બહાદુરગઢ, વાઘગઢ, જસમતગઢ જેવા ગામમાં હાલમાં 105 ટકા વેરા વસુલાત કરવામાં આવી હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.__________________________________________વેરા વસુલાત માટે જિલ્લા પંચાયતના ચાર કર્મચારીની નિમણુંક મોરબી જિલ્લો ગત વર્ષની જેમ આ વર્ષે પણ વેરા વસુલાત રાજ્યમાં પહેલા નંબરે આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિએ જિલ્લા પંચાયતના ચાર કર્મચારીઓની નિમણુંક કરી છે. આ કર્મચારીઓ દરરોજ ઓછી વસુલાત થતા ગામોના તલાટીઓને ફોન કરી અને વધુ વસુલાત કરવા માટે જરૂરી મદદ કરે છે.__________________________________________