મોરબી : હાલના ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ, હેકિંગ, બ્લેકમેલ, ઓનલાઈન છેતરપિંડીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ઝડપી રૂપિયા કમાવાની લ્હાયમાં લોકો પોતાની પરસેવાની કમાણી પણ ગુમાવી રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે મોરબીના ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરિયાએ કેટલાક સૂચનો અને જરૂરી માહિતી આપી છે.નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં લોકોએ ઘણી જગ્યાએ ચેતવાની જરૂર છે. જો આપણા પરિવાર, ભાગીદાર અને જાતે આ વિષય ઉપર જાગૃત થઇશું તો ચોક્કસ સાવચેતી તમને મોટી આફતથી બચાવશે.સાયબર ફ્રોડ વિશે વાત કરતાં નિલેશભાઈ જતપરિયા જણાવે છે કે, વર્તમાન સમયમાં તમારા મોબાઇલમાં ફોન કરીને ઓટીપી અથવા તો લીંક દ્વારા તમારા મોબાઇલને અથવા તો ઇમેલને અથવા તમારા બેંકના કાર્ડના પાસવર્ડ દ્વારા હેક કરીને તમારા ખાતામાંથી ઉચાપત થઈ શકે છે. એટલે તમારા ઇમેલમા ટુ-વે વેરિફિકેશન રાખો, અજાણ્યા ઇમેલ અથવા તો મોબાઇલમાં આવેલ લીંકને ઓપન કરશો નહી. તમને કોઇ પણ ફોન આવે તો ઓનલાઇન ઓટીપી કે કોઇ મેસેજ ને કોઇને આપશો નહી. તમને જુદા જુદા દેશના નંબરમાંથી ફોન આવે કે તમારો પાસપોર્ટ જપ્ત કર્યો છે અથવા તો તમારું પાર્સલ છે તેમાં ગેરરીતિ કે ખોટી વસ્તુ છે અને તમારા ઉપર કેશ થશે તો આવા કોઈ પણ ફોનને જવાબ આપવો નહી અને કાપી નાંખવો.તમને એવો પણ ફોન આવી શકે કે તમારી દીકરી કે દીકરો કે પરિવારજન અમારા પોલીસ સ્ટેશને પકડાયા છે તો ફોન કાપી નાંખો અથવા તો હિમત હાર્યા વગર કરી દો કે તેને રાખો અમારે તેની કોઈ જરૂર નથી. આવા ફોનથી ડરીને પૈસા કે ખંડણી આપવી નહી પરંતુ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન ઉપર જાણ કરવી જોઈએ. તમારું ઈમેલ હેક થાય અથવા તો મોબાઈલ હેક થાય તે સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.સામાજિક સમસ્યા અંગે નિલેશભાઈ જેતપરિયા જણાવે છે કે, તમારા કોઈ દીકરા દીકરીને બ્લેકમેલ કરે તો ડર્યા વગર પોલીસને જાણ કરો. પોલીસ હંમેશા આવા કેશમાં નામ ગુપ્ત રાખતા હોય છે ત્યારે સામાજિક ડર રાખવાના બદલે તેનો સામનો કરો. તમને વીડિયોકોલ દ્વારા અજાણી વ્યકિતનો ફોન આવે તો તરત જ કાપી નાંખો અને કદાચ તે તમને બ્લેકમેલ કરવાની કોશિશ કરે તો તેને સામે કહી દો અને તરત જ તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશ્યલ મીડિયા ને ટેમ્પરેરી બંધ કરી દો. તમારા વોટસએપમાં સ્ટેટસ મૂકી દો કે મારું એકાઉન્ટ હેક થયું છે. ડર છોડીને વાસ્તવિક પરીસ્થિતિનો હિંમત પૂર્વક સામનો કરો તમારા પરિવારજનમાં જે પણ નજીકના હોય તેમને વાસ્તવિકતા જણાવો.તમારા પરિવારના યુવાજનોની સાથે બેસીને તેને વર્તમાન સમયમા બનતા કીસ્સાઓની ચર્ચા કરો અને તેમને વર્તમાન સમયમાં કંઇ પણ તેની સાથે અજુગતુ થાય તો તેને આશ્વાસન આપો કે કંઇ પણ થાય તો અમે છીએ બીજાને સરેન્ડર ના થવું આ હિંમત જ તેને મજબુત બનાવશે અને તેને મોટી આફતથી બચાવી શકાશે. બાળકોનો વિશ્વાસ કેળવો કે એક પણ ભુલ ના થાય તેમ છતા અજાણતા ભુલ થઇ હોય તો તેને કહો કે પહેલા તમને જાણ કરે અને તેનો રસ્તો તમે જ કરી શકશો. જેથી કરીને તો એક ભુલ છુપાવવા બીજી ભુલ અને બીજી ભુલ છુપાવવા ત્રીજી ભુલ ના કરે. બાળકોનો વિશ્વાસ કેળવો અને આદત પાડો કે મોબાઇલ પાસવર્ડ તમને આપે તમે તેના સોશ્યલ મીડિયા એક્સેસ કરી શકો અને તમારા બાળકો કરી શકે તેવી નિકટતા લાવો. એટલું પાક્કુ છે કે કોઈ પણ સમસ્યા હોય તો પરિવારજનો જ તેને સાચો રસ્તો આપી શકશે અને તે જ તેને રક્ષણ આપશે માટે બાળકોને એટલો ભરોસો આપો કે હું છું ને મને જાણ કરવી. આ વિશ્વાસ થકી જ બાળકો તમને બધી જ વાતોને શેર કરશે અને તેને છેતરતા અથવા તો તેને બ્લેકમેલિંગ કરતા લોકોથી બચાવી શકાશે.શોર્ટકટથી આવતા પૈસાથી બાળકોને અને યુવાનોને ચેતવવા જરૂરી છે. કેમ કે દુનિયામાં ક્યાંય શોર્ટકટથી રૂપિયા મળતા નથી તે વાત સમજાવો. સ્કીમ કે સટ્ટા દ્વારા કયારેય પૈસાદાર થવાતું નથી. થોડા સમય માટે શોર્ટકટથી પૈસા મળશે પરંતું તેમાં હંમેશા મોટા પૈસા ચુકવવા પડતા હોય છે એટલે કોઈ પણ લોભામણી સ્કીમમાં યુવાનો ના આવે તેનું ધ્યાન રાખો. બાળકોના દરરોજના ખર્ચા પર ધ્યાન આપો. મિત્ર સર્કલ વિશે જાણો. પૈસા કમાવવાની દોટ, હાઇ સ્ટાઇલ લાઇફ સ્ટાનડર્ડ અને ચમકતી દેખાદેખી કયારેક ફસાવી દેશે એટલે બાળકોને પૈસાનું મહત્વ અને તેના માટે કરવી પડતી મહેનતનું વર્ણન પણ કરો. ખોટા પૈસાનું પરિણામ અંતે ખરાબ જ હોય છે એટલે ખોટા રસ્તે કે શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ થી પરિવારજનોને દુર રાખો અને આપણે પણ આનાથી દુર રહીએ.