વર્ષ ૨૦૨૪ની થીમ - ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’મોરબી : સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવવા, તેમને સમજવા અને તેમના પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ ઉમદા બનાવવાના હેતુસર દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે. સામાન્ય રીતે, દિવ્યાંગો પ્રણાલીગત અને સામાજિક અવરોધોનો સામનો કરે છે. જે તેમની સામાજિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે. એ ચિંતાનો વિષય છે કે, મોટાભાગના દિવ્યાંગો વિવિધ કારણોસર જરૂરી આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકતા નથી. તેઓ ઈચ્છિત શિક્ષણ મેળવી શકતા નથી અને સમાજમાં તેમને રોજગારીની ખૂબ ઓછી તકો પણ મળે છે. આવી સ્થિતિમાં, વિશ્વ દિવ્યાંગ દિવસ એવી તક છે, જે દિવ્યાંગોને લઈને સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહ અને ભેદભાવને દૂર કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કરવા માટે એક મંચ આપે છે. જેનાથી દિવ્યાંગો માટે અવરોધ મુક્ત સમાજનું રક્ષણ અને સ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. જો કે, તેમાં ઘણી હદ સુધી સફળતા પણ મળી છે. ______________________________________________આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસનો ઈતિહાસ સંયુક્ત રાષ્ટ્ર સંઘની પહેલ પર વર્ષ ૧૯૯૨થી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૩થી વર્ષ ૧૯૯૨ સુધીના દાયકાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંયુક્ત રાષ્ટ્રના દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ દિવ્યાંગોને સ્વસ્થ જીવન આપવા, તેમનું આત્મસન્માન જાળવી રાખવા, તેમને તેમના અધિકારોથી વાકેફ કરવા અને તે અધિકારો પ્રાપ્ત કરવાના માર્ગને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૧૯૯૨માં ૪૭મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષે તારીખ ૩ ડિસેમ્બરને 'વિશ્વ વિકલાંગ દિવસ' તરીકે નિયુક્ત કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.______________________________________________ગુજરાત સરકારની યોજનાઓ શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ને પણ પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે.______________________________________________