પોલીસ વિભાગને કુલ 20 અરજીઓ મળી, જેમાંથી 4 અરજીઓમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી, બાકીની અરજીમાં ત્વરિત ન્યાય અપાવવાનું પોલીસ તંત્રનું એલાન મોરબી : મોરબીમાં રેન્જ આઈજીની લોકસુનાવણી બાદ ધડાધડ 4 અરજીઓમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 11 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. જેનાથી વ્યાજખોરોમાં પણ સોંપો પડી ગયો છે. બાકીની અરજીઓમાં પણ ત્વરિત ન્યાય અપાવવાનું પોલીસે એલાન કર્યું છે. મોરબીમાં આજે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં તથા ધારાસભ્યો અને એસપીની ઉપસ્થિતિમાં સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક યોજાયા બાદ વ્યાજખોરો માટે લોકદરબાર ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા અરજદારોને પોલીસ મદદની જરૂરીયાત અંગેની અરજીઓ મળી હતી. જેમા 4 અરજીઓ બાબતે તાત્કાલીક ધોરણે કુલ-11 આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. તથા બાકી રહેતી અરજીઓ બાબતે ફરીયાદીને ત્વરીત ન્યાય મળે તે માટે સંબંધીત પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેવું પોલીસ વિભાગે જાહેર કર્યું છે.વધુમાં પોલીસે જાહેર જનતાજોગ અપીલ કરી છે કે જ્યારે પણ નાણાની જરૂરીયાત ઉભી થાય ત્યારે માત્રને માત્ર સરકાર માન્ય બેંકો/સંસ્થાઓનો સંપર્ક કરી લોન લેવાનો આગ્રહ રાખવો અને ગેરકાયદેસરથી વ્યાજવટાવનો ધંધો કરતા લોકો પાસેથી વ્યાજે પૈસા લેવાનુ ટાળવુ જોઇએ. આવા કોઇ વ્યાજવટાવ વાળા ઇસમોના ભોગબનનારે આપના નજીકના પોલીસ સ્ટેશન,નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અથવા પોલીસ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવા અથવા જિલ્લા કંટ્રોલ રૂમ ફોન નંબર-૦૨૮૨૨૨૪૩૪૭૮, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગની કચેરી-૦૨૮૨૨૨૪૦૯૦૯, પોલીસ હેલ્પ લાઇન નંબર-૧૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.____________________________________________પોલીસે બે વર્ષમાં ૧૮૫ વ્યાજખોરો વિરુદ્ધ ગુના નોંધ્યાપોલીસ વિભાગના જણાવ્યા અનુસાર મોરબી જીલ્લા પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૩મા ૨૧૮ લોકદરબારનું આયોજન કરી ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરતા વ્યક્તિઓ વિરુધ્ધ કુલ-૩૯ ગુના દાખલ કરવામા આવેલ છે. જે ગુનાઓમા કુલ-૧૩૦ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ વર્ષ૨૦૨૪મા કુલ-૧૬૫ લોકદરબારનુ આયોજન કરી ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરતા વ્યક્તિઓ વિરુધ્ધ કુલ-૨૪ ગુના દાખલ કરવામા આવેલ છે. જે ગુનાઓમા કુલ-૫૫ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ જે ગુનાઓમા ભોગ બનનાર વ્યક્તિઓના વાહનો, ગોલ્ડ, મોબાઇલ મળી કુલ કિ.રૂ ૨૪,૩૪,૦૦૦/- નો મુદામાલ તેમજ દસ્તાવેજો તથા ચેક પરત કરાવેલ છે.____________________________________________બે વર્ષમાં ૪૨ લોન મેળા યોજાયાપોલીસ તંત્રના જણાવ્યા અનુસાર જરૂરિયાત સમયે લોકો લોન મેળવી શકે તે માટે પોલીસ વિભાગે વર્ષ ૨૦૨૩મા બેંકોના અધિકારીઓ સાથે સંકલન કરી કુલ-૨૮ લોન મેળા યોજી લોન મેળવવા માટે કુલ-૧૨૩ લાભાર્થીઓની તેમજ વર્ષ ૨૦૨૪ મા કુલ-૧૪ લોન મેળા યોજી લોન મેળવવા માટે કુલ ૫૯ લાભાર્થીઓની અરજીઓ મળતા જુદી જુદી બેંકો દ્વારા વેપાર ધંધા, ખેતી, ગોલ્ડ, કાર, પશુપાલન, હાઉસીંગ તેમજ ગૃહ ઊદ્યોગ માટે લોન આપાવવામા આવી હતી.____________________________________________