મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે લોકોમાં પણ રોષ છે અને આવા તત્વો સામે રક્ષણ મળે તે માટે લોકો પણ સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો પાસે રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે આવા પીડિત લોકોને સાંભળવા માટે આવતીકાલે તારીખ 2 ડિસેમ્બર ને સોમવારના રોજ મોરબી એસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે અને વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને સાંભળીને તેમની સમસ્યાનો નિરાકરણ લાવશે.આ અંગે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું છે કે, પ્રજા દુઃખી ન થાય તે માટે અમે હંમેશા કાર્યક્રમ કરતા હોઈએ છીએ ત્યારે પ્રજાને દિલથી સાંભળવા માટે આવતીકાલે તારીખ 2 ડિસેમ્બર ને સોમવારના રોજ બપોરે 12 કલાકે મોરબીના સામાકાંઠે આવેલી ડીએસપી કચેરીએ વ્યાજંકવાદના રાક્ષસને નાથવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યાજખોરોથી પીડિત લોકોને સાંભળવામાં આવશે. આ તકે તમામ ધારાસભ્યો, ડીઆઈજી, કલેકટર અને એસપી હાજર રહેશે અને જે કોઈ લોકો આવા વ્યાજખોરોથી હેરાન પરેશાન હોય તેવો પોતાની રજૂઆત કરવા આવી શકે છે. તમામ લોકોની રજૂઆત સાંભળીને જે કાંઈ કાયદેસર પગલાં લેવાના હશે તે લઈને ન્યાય મળે તે દિશામાં કામ કરવામાં આવશે.