મોરબી : રેન્જ આઇજી અશોક કુમાર યાદવની સૂચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવ્યું હોય મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં સરપ્રાઈઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઈવ તારીખ 30 નવેમ્બરના રોજ યોજાય હતી. આ દરમિયાન મોરબી જિલ્લાના શહેરી વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી/તૂટેલી નંબર પ્લેટ, ફોરવ્હીલમાં ડાર્ક ફિલ્મ લગાડેલ હોય તેવા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબી જિલ્લામાં 30 નવેમ્બરના રોજ આ સરપ્રાઈઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઈવમાં કુલ 1597 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં માલિકીના આધાર પુરાવા વગરના તેમજ શંકાસ્પદ ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર 89 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને કુલ 250 સમાધાન શુલ્ક પાવતી આપવામાં આવી છે. વાહન ચાલકો પાસેથી 1,18,200 માંડવાળ દંડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 36 જેટલી ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ લગાડેલ હોય વાહન ચાલકો સામે કેસ કરવામાં આવેલ છે. કુલ 32 જેટલા વાહનોમાં HSRP નંબર પ્લેટ વગરના હોય તેઓની સામે કેસ કરવામાં આવેલ છે. 80 જેટલા વાહન ચાલકો પાસે નંબર પ્લેટ વગરના અથવા ફેન્સી તૂટેલી નંબર પ્લેટ હોય તેઓની સામે પણ કેસ કરાયા છે. ડ્રીંક એન્ડ ડ્રાઈવનો પણ એક ગુનો નોંધાયો છે. આ ઉપરાંત આગામી સમયમાં પણ ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે તે માટે વાહન ચાલકોને નિયમોમાં રહીને વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.