મોરબી : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઘુંટુ દ્વારા ઘુંટુની નવોદય વિદ્યાલય ખાતે તારીખ 30-11-2024 ને શનિવારના રોજ વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધોરણ 4 થી 10ના કુલ 230 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વ્યસનની ગંભીર અસરો વિશે સમજણ આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરે આવનાર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઘુંટુના મેડિકલ ઓફિસર ડૉ. જીગ્નેશ પંચાસરાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર એચ.ઓ. પાંચોટીયા તેમજ આરોગ્ય કર્મચારી રવિન દેગામા અને જસવંત ચાવડા દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મહેશભાઈ બપોલિયા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.