ડીવાયએસપી, 4 પીઆઇ, 10 પીએસઆઈ અને 150 જવાનો કોમ્બિંગમાં જોડાયામોરબી : મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ વેળાએ રોડ ઉપર સઘન વાહન ચેકીંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. મોરબીમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ થયું હતું. જેમાં એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી, 4 પીઆઇ, 10 પીએસઆઈ અને 150 જેટલા જવાનો જોડાયા હતા. આ વેળાએ કાળા કાચ વાળી કાર, નંબર પ્લેટ વગરની કાર સહિતના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સમયાંતરે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે પણ ડ્રાઇવ યોજાઈ છે. શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ લોકોની સલામતી રહે અને લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ કોમ્બિંગ કરવામાં આવે છે. વધુમાં એસપીએ લોકોને અપીલ કરી હતી કે જે લોકો વાહન ચલાવે છે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે. વધુમાં તેઓએ ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે જણાવ્યું કે અમુક રોડ વન વે જાહેર કરવામાં આવ્યા છે. એકી-બેકી તારીખમાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.