નિવૃત શિક્ષકના પુત્રને કૌટુંબિક સગાએ ઓનલાઈન જુગારના રવાડે ચડાવી મહિને 60 ટકાના વ્યાજચક્રમા આટીમાં લીધોમોરબી : મોરબીમાં દિવસે ને દિવસે વ્યાજખોરીના ચોકવનારા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ છે જેમાં નિવૃત શિક્ષકના પુત્રને કૌટુંબિક સગા એવા યુવાને ઓનલાઈન જુગારના રવાડે ચડાવી બાદમાં 30 ટકાથી લઈ 60 ટકા વ્યાજ વસુલવાની સાથે આ વ્યાજખોરના મિત્ર જયરાજ સાથે યુવાનને પાર્કિંગમાં બેસાડી નાણાકીય લેતી દેતી કરી ન હોવા છતાં યુવાને 10 લાખ લીધા છે તેવું નાટક કરી જયરાજ તો ગુંડો છે. 10 લાખ આપી દયો કહી નાણાં પડાવી લેવામાં આવતા 6 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબીના રવાપર રોડ ઉપર સ્વાગત હોલ પાછળ જલારામ સોસાયટીમાં રહેતા મૂળ બગથળા ગામના વિનાયક મણિલાલ મેરજા ઉ.20 નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝનમાં ચોંકાવનારી ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં પોતે મોરબીની નિર્મલ સ્કૂલમાં ધોરણ 12માં ભણતો હતો ત્યારે વિનાયકના મમ્મીના મામાના દીકરાના દીકરા એવા આરોપી કૃણાલ ઉર્ફે ભુરો નિતેશભાઈ ઓગણજા રહે.ચંદ્રેશનગર, પ્રભાત હાઇટ્સ મોરબી વાળાની શિવાય ફાયનાન્સ નામની ઓફિસમાં અવાર નવાર બેસવા જતો. આ સમયે કૃણાલ ઉર્ફે ભુરો ઓનલાઈન જુગાર રમતો હોવાથી ફરિયાદી વિનાયક મેરજાને પણ જુગારની આઈડી બનાવી આપી 5 લાખની બેલેન્સ નાખી આપી હતી અને બાદમાં જુગારમાં પૈસા હારી જતા કૃણાલે પેનલ્ટી સાથે 7 લાખ આપવા પડશે કહી વ્યાજના વિષચક્રમાં ફસાવવાનું શરૂ કર્યું હતું.જે બાદ આરોપી કૃણાલ ઉર્ફે ભૂરાની શિવાય ફાયનાન્સની ઓફિસે આવતા ગજડી ગામના આરોપી રાહુલ સાથે વિનાયકની ઓળખાણ થતા વિનાયકે જુગારમાં હારી ગયેલા પૈસા ચૂકવવા રાહુલ જારીયા પાસેથી 3 લાખ મહિને 30 ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં 6 લાખ ચૂકવવા છતાં રાહુલે વધારાના 5.50 લાખ માંગી સાતેક મહિના પહેલા ઉમિયા સર્કલે બોલાવી સ્વીફ્ટ કારમાં બેસાડી ફડાકા ઝીકી દઇ ટાઈમે પૈસા ન આપે તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બીજી તરફ કૃણાલ ઉર્ફે ભુરો આણી વ્યાજખોર ટોળકીએ મુરઘો બરાબરમો જાળમાં ફસાયો હોય અવનવા હથકંડા અપનાવવાનું શરૂ કર્યું હતું જેમાં દસેક મહિના પહેલા કૃણાલની ઓફિસે આવતા માળીયા તાલુકાના દેવગઢ ગામે રહેતા જયરાજ સવસેટાએ ફરિયાદી વિનાયકને ફોન કરી રત્ન કલા કારખાના સામે આવેલ સ્ટાર આર્કેડના પાર્કિંગમાં બેસવા બોલાવ્યો હતો અને બાદમાં એક પણ રૂપિયો આપ્યો ન હોવા છતાં ફોન કરીને કહ્યું હતું કે, મારી પાસેથી 10 લાખ લઈ ગયો છો એ રૂપિયા પાછા આપ, જેથી વિનાયકે કહ્યું હતું કે, મેં તારી પાસેથી રૂપિયા લીધા જ નથી તો પરત કેમ આપું તેમ કહેતા જ જયરાજે તારા બાપને ફોન આપ કહી વિનાયકના પિતાને ધમકી આપી પૈસા આપવાનું કહેતા મણિલાલ મેરજાએ રૂપિયા 8 લાખ કૃણાલ ઉર્ફે ભૂરાની ઓફિસે આપ્યા હતા અને બાકીના બે લાખ કૃણાલને આપવાનું કહી નાણાં નહિ આપે તો વિનાયકનું અપહરણ કરવાની ધમકી આપી હતી.વ્યાજખોરીના આ બનાવમાં વાત આટલેથી જ નહીં અટકતા વ્યાજખોરોને પૈસા ચૂકવવા વિનાયકે મોરબી ઉમા ટાઉનશીપમા રહેતા મિલન પકાભાઈ ફુલતરિયા પાસેથી 5 લાખ 30 ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં 17 લાખ ચૂકવવા છતાં મિલન પકાભાઈ ફૂલતરિયાએ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ જ રીતે વિનાયકે રવાપરના માધવ જિલરીયા પાસેથી 2 લાખ 30 ટકા વ્યાજે લઈ વ્યાજખોરોને ચૂકવી આપી બાદમાં માધવને 5 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધારાના 4 લાખ માંગી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત કૃણાલ ઉર્ફે ભૂરાના મિત્ર એવા ગજડી ગામના રાધે ડાંગર પાસેથી વિનાયકે 1 લાખ મહિનાના 60 ટકા વ્યાજે લીધા હોય 70 હજાર ચૂકવવા છતાં વધુ અઢી લાખ માંગી જાનથી મારી નાખવા ધમકી આપતા કંટાળેલા વિનાયકે અંતે તમામ વ્યાજખોરો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે._______________________________________________________વ્યાજખોરીના આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી(1) કૃણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા, રહે-ન્યુ ચંદ્રેશનગર પ્રભાત હાઇટસ મોરબી(2) રાહુલભાઇ જારીયા રહે-ગજડી ગામ તા.ટંકારા જી.મોરબી (3) જયરાજ સવસેટા રહે-દેવગઢ તા.માળીયા(મિ) જી.મોરબી (4) મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા રહે-ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી (5)માધવ જીલરીયા રહે-રવાપર (6) રાધે ડાંગર રહે-ગજડી વિરુદ્ધ ઉંચા વ્યાજે નાણાં ધીરી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ ફડાકા મારવા મામલે નાણાં ધીરધારની કલમો તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે._______________________________________________________વ્યાજખોરોએ મેરજા પરિવારનો માળો વિખી નાખ્યો : પિતાએ મોરબી છોડ્યું, માતાની માનસિક હાલત બગડીમોરબીના નિવૃત શિક્ષકના પુત્રને જુગારના રવાડે ચડાવી કૌટુંબિક સગાએ જ વ્યાજના ચકરડામા ફસાવી દેવાની આ ઘટનામાં હાલમાં વિનાયક મણિલાલ મેરજાનો પરિવાર વેરવિખેર બની ગયો હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરોએ વિનાયકને વ્યાજમાં ફસાવી સર્વસ્વ લૂંટી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી વિનાયકના પિતાને પણ ધમકીઓ આપી હોય નિવૃત શિક્ષક મોરબી છોડી હળવદ જતા રહ્યા છે જ્યારે વ્યાજખોરોના ડરથી વિનાયકના માતા માનસિક રીતે ભાંગી પડવાની સાથે માનસિક રીતે પડી ભાંગતા હાલમાં વિનાયકના મામાના ઘરે રહેતા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે._______________________________________________________